Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કોણ પોતાના સ્વભાવ પર જતું નથી ?
આવે વખતે ધારિણીએ પૂર્વોક્ત પ્રકારે વૈભારગિરિની તળેટી આદિ સ્થળોને વિષે ફરીને નંદાની પેઠે પોતાનો દોહદ પૂર્ણ કર્યો. એ પ્રમાણે અભયકુમારે તેનો મનોરથ પૂર્યો; અથવા તો ચિંતિત વસ્તુને આપનાર તો કલ્પદ્રુમ જ હોય છે. જો આવા અભયકુમાર જેવા મંત્રીઓ ઘેર-ઘેર હોય તો કયા રાજાના મનોરથ અપૂર્ણ રહે ? પણ વનવનને વિષે કાંઈ કલ્પદ્રુમ હોય ? તિથિએ તિથિએ કાંઈ ચંદ્રમા પૂર્ણમંડળમાં દેખાય ? દ્વીપે દ્વીપે લક્ષયોજન વિસ્તારવાળો મેરૂપર્વત હોય ? દરેક સાગરને વિષે ગોક્ષીર સમાન જળ હોય ? અથવા નગરે નગરે તે રાજધાની હોય ? વળી સર્વ નિધાનોને વિષે મણીઓ કદિ હોય ? (અર્થાત્ ન જ હોય).
હવે અત્યંત સુખને વિષે રહેવાથી બહુ પુષ્ટ થયું છે શરીર જેનું એવી ધારિણી, બે પર્વત વચ્ચેની ખીણ હસ્તિને વહન કરે તેમ ઉત્તમ અને વજ્ર સમન ગુરુ એવા ગર્ભને વહન કરવા લાગી; છતાં પણ તે ગૂઢગર્ભા હોવાથી, એ, ગંભીર પુરુષના હૃદયને વિષે રહેલા રહસ્યની પેઠે જણાતો નહોતો. અનુક્રમે હર્ષમાં જ નવમાસ અને સાડાઆઠ દિવસ વ્યતિક્રમ્ય, ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવ્યે છતે, શ્રેષ્ઠ તિથિને વિષે, રાણીએ, છીપ મુક્તાફળને જન્મ આપે, તેમ, એક લક્ષણવંત અને શરીરની કાન્તિથી મહેલને ઉધોતમય કરી મૂકતા, પુત્રને નિર્વિઘ્ને જન્મ આપ્યો.
તે દિવસે બહુ કરો (હસ્તો) જ હોય નહીં એવા સૂર્યના કરોથી પ્રમાર્જિત થયેલી દિશાઓ સર્વે નિર્મળ દેખાવા લાગી. આકાશે પણ, એ બાળક પર નિર્મળ ઉલ્લોચ (ચંદરવો) બાંધતું હોય નહીં એમ સુંદર કૃષ્ણપટ્ટમય વસ્ત્રને ધારણ કર્યાં. વળી તરત જ જન્મ પામેલા બાળકના, પલ્લવસમાન કોમળ અંગના સ્પર્શથી જ મૃદુતા પામ્યા હોય નહીં એમ પવનો પણ મૃદુપણે વાવા લાગ્યા. એટલામાં તો વૃક્ષને જઈને સ્પર્શ કરી આવવાની ક્રીડામાં પ્રવૃત્ત થયેલા બાળકોની પેઠે સર્વ દાસીઓ રાજાને વધામણી દેવા એકસાથે દોડી.
૧૦૬
એઓમાં એક શરીરે બહુ માંસલ હતી તેને પીડા થઈ; કારણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)