Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો સહસ્રકિરણવાળો સૂર્ય ઉદય પામ્ય છતે જડતા અને અંધકાર ક્યાં સુધી રહે ?); જેમના વીતરાગપણાને લોભાવવાને જ જાણે હોય નહીં એમ પાંચે ઈન્દ્રિદ્યાર્થી મનરંજક બની જાય છે; અને જેમના નામ શ્રવણથી પણ આપને પરમ આનંદ ઉત્પન્ન થાય છે એવા, ત્રિશલા રાણીની કુક્ષિએ જન્મેલા, સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામી આવીને ગુણશીલ ચૈત્ય સમવસર્યા છે.
હે પ્રભો તેમના આવવાથી ઉધાનને વિષે સર્વ ઋતુઓ જાણે એમનાં દર્શન કરવાને જ હોય નહીં એમ સમકાળે પ્રાદુર્ભાવ પામી છે. (જુઓ) સર્વ ઋતુઓને વિષે શિરોમણિ એવી વસંતઋતુ આવી હોય નહીં એમ, મૃદુવાયુથી જાણે નૃત્ય કરતી એવી આમ્રવૃક્ષની શાખાને વિષે કોકિલા ગાયન કરી રહ્યા છે. અનેક વિકાસ પામતા કદમ્બ વૃક્ષના પુષ્પોની રેણુને લીધે સૂર્યના કિરણોને જાણે કોમળ કરી નાખતી એવી ગ્રીષ્મઋતુ પણ આવી પહોંચી જણાય છે. કરવતથી જ હોય નહીં એમ કાંટાવાળા કેતકી પુષ્પોથી વિયોગીજનોનાં હૃદયને ભેદી નાખનારી વર્ષાઋતુ પણ વિકાસ પામવા માંડે છે. વળી તે સ્વામિન્ ! નવીન અને શ્રેષ્ઠ એવાં વિકસ્વર કમળોથી શરઋતુ પણ જાણે ભગવાન્ વીરસ્વામીની પૂજા કરીને પોતાને કૃતકૃત્ય કરશે. કામીજન તુલ્ય હેમન્તઋતુ પણ પોતાના કુન્દપુષ્પોની કળીઓરૂપ નખોથી જાણે દિશારૂપી વધુઓના ઉરંગ વક્ષ:સ્થળ ઉપર સત (નખક્ષત-પ્રહાર) કરવાની ઈચ્છા કરે છે. બે સાથેસાથેની ઋતુમાં ઉત્પન્ન થનારાં કુન્દ અને સિદ્વાર પુષ્પો યે આ શિશિરઋતુમાં આવ્યાં જણાય છે; અથવા તો શિશિરને (ઠંડી પ્રકૃતિવાળાઓને) આખું જગત્ પોતાનું જ છે.
ઉદ્યાનપાલકની એ વધામણી સાંભળીને રાજા, વસન્તસમયે આમ્રવૃક્ષ કુસુમોના સમૂહથી પૂરાઈ જાય તેમ, સર્વ અંગે હર્ષના રોમાંચથી પૂરાઈ ગયો. એણે એને પ્રીતિપૂર્વક પુષ્કળ ઈનામ આપ્યું; કારણ કે જિનેશ્વરભગવાનના ખબર લાવનારને તો રાજ્યનું દાન દેવું એ પણ થોડું છે. પછી સત્વર રાજાએ પ્રભુને વંદન કરવા જવા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી; કારણ કે પ્રથિવી પર આવી ચઢેલા કલ્પદ્રુમના દર્શનને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ, ત્રીજો)
૧૧૯