Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
બહેરી કરી નાખતા જોસબંધ વહેવા લાગ્યા. ચાતકપક્ષીઓ પણ બાળકોની જેમ, લીલાએ કરીને ગ્રીવા (ડોક) નમાવી નમાવીને, જળ આપનાર મેઘથકી યથેચ્છપણે સ્વચ્છ જળનું પાન કરવા લાગ્યા. દેડકાઓ પણ “અમે જેવી રીતે જળને વિષે રહેવાથી જીવીએ છીએ તેવી રીતે અન્ય કોઈ જીવતું હોય તો કહો” એમ પૂછતા હોય નહીં એમ ત્વરા સહિત શબ્દ કરવા લાગ્યા વિસ્તારયુક્ત કલા-પાંખ-અને-સ્થિરદૃષ્ટિવાળા મયૂરો, નૃત્ય કરનારા પુરુષોની પેઠે ચરણને બરાબર રીતે મૂકી મૂકીને નાચ
કરવા લાગ્યા.
અહો ! આચાર અને વર્ણથકી ભિન્ન છતાં પણ નામે કરીને અભિન્ન (સમાન નામવાળાં) હોય છે એવાઓને પરસ્પર ઝટ મિત્રતા બંધાય છે; નહીં તો, બલાહકો (બગલાઓ) બલાહકો (વાદળાંઓ)ની પાસે (આ વખતે) આવ્યાં તે અન્યથા કેમ આવે ? (કારણ કે બગલાઓનો આચાર અને વર્ણ વાદળા કરતાં તદ્દન ભિન્ન છે; ફક્ત બંનેનું ‘બલાહક' એવું નામજ અભિન્ન-સમાન છે). મલિન એવા મેઘોએ વર્ષાવેલું જળ આપણી કાયાનો સ્પર્શ કરે છે એવા ખેદથી જ હોય નહીં એમ પદ્મિનીઓ (પદ્મના છોડવા) જળને વિષે ડુબવા લાગી. હંસપક્ષીઓ પણ જળથકી જન્મ પામેલા બિસતંતુ આદિના વિરહથી જ હોય નહીં એમ બહુ બહુ નવી નવી ખબર સહિત દૂર પ્રવાસે ચાલી નીકળ્યાં. (માનસ સરોવરે ગયાં કારણ કે વર્ષાઋતુ દરમ્યાન તેઓ ત્યાં જ રહે છે).
પૃથ્વી પણ પોપટના પીંછાના રંગ જેવા રંગવાળા ઘાસથી લીલીછમ થઈ ગઈ તે જાણે પોતાના પતિ શ્રેણિકરાજાનું આવું ભાગ્ય જોઈને રોમાંચિત થઈ હોય નહીં ! સિલિન્ધ-અશોક-કુટજ કેતકી અને માલતી પ્રમુખ વનસ્પતિઓને પણ જાણે આવો વિચિત્ર બનાવ જોવાનેજ હોય નહીં એમ, (ચક્ષુ સમાન) પુષ્પો આવ્યાં. વળી જાણે મેઘજળના છંટકાવને લીધે ઐરાવણ હસ્તિના શરીર પરથી ભૂમિ પર ટપકતા તેના અલંકારરૂપ સિંદૂરના બિન્દુઓ હોય નહીં એવા દેખાતા ઈન્દ્રગોપ નામના કીડાઓ સ્થળે સ્થળે દેખાવા લાગ્યા. બાળકો પણ રેતીના દેવમંદિર આદિ બનાવીને ક્રીડા કરવા લાગ્યા; કારણ કે પોતાનો સમય આવ્યે છતે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૫