Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વિષે રહી ઉપવાસ કર્યો; કારણ કે દેવતાનું આકર્ષણ જેવી તેવી રીતે થતું નથી. એ પ્રકારના એના ધર્મધ્યાનથી ત્રીજે દિવસે એ દેવ સ્વર્ગથકી આવીને પ્રત્યક્ષ થયો. કારણ કે આકર્ષણમંત્રથી તો સ્વર્ગની અપ્સરાઓ પણ આકર્ષાઈ આવે છે.
એ દેવતાના મુકુટના રત્નોના કિરણજાળથી આકાશને વિષે ઈન્દ્રધનુષ્યો રચાયા હતા. એના ચલાયમાન કુંડળો એના ગાલ પર સ્પર્શ કરતા લટકતા હતા. એના કંઠને વિષે તાજાં પુષ્પોની અત્યંત સુગંધમય. માળા રહી ગઈ હતી. એની ભુજાઓને વિષે ઉલ્લસતી કાન્તિવાળા કેયૂર શોભી રહ્યાં હતાં. એના દેદિપ્યમાન પ્રકોષ્ટ (પોંચા)ને વિષે શ્રેષ્ઠ આભરણો ચળકાટ મારતાં હતાં. (વસ્ત્રની ઉપર) કંઠથી જાનુપર્યન્ત હાર લટકી રહ્યો હતો. ચરણને વિષે મણિજડિત સુવર્ણનાં વલયો દીપી રહ્યાં હતાં; અને હાથની આંગળીઓને વિષે પણ અનેક મણિ-મુદ્રિકાઓ બહાર આપતી હતી. વળી એણે અતિ મૃદુ અને દિવ્ય દેવદૂષ્ય વસ્ત્રો ધારણ કર્યા હતાં, અને પોતાના દેહની કાન્તિના સમૂહથી બાર બાર સૂર્યોના ઉદ્યોત પર વિજય મેળવ્યો હતો. એના ચરણ ભૂમિતળથી. ચારઆંગળપ્રમાણ ઊંચા રહેતા હતા અને એનાં બંને નેત્રકમળ નિમેષઉન્મેષથી રહિત હતાં.
એ દેવ અભયકુમારની પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો-હે પવિત્ર કુમાર ! તેં શા માટે મારું સ્મરણ કર્યું છે ? દુષ્કર એવું પણ તારું શું કાર્ય કરું તે કહે. તે પરથી નંદાપુત્રે તેને કહ્યું- હે દેવ ! મારાં માતુશ્રીને આજ અકાળે મેઘની વૃષ્ટિ અનુભવવાનો દોહદ ઉત્પન્ન થયો છે. માટે મારા પર સ્નેહ ધરાવતા એવા તમે એ પૂર્ણ કરો; કારણ કે બુદ્ધિમાન એવા પણ મનુષ્યોમાં વરસાદ વરસાવવાની શક્તિ હોતી નથી. અથવા તો તમારાં દર્શન થયાં ત્યારથી જ એ પૂર્ણ થયો છે. કારણ કે જેને રત્નાકર (રત્નની ખાણ-સાગર)ના જેવા મિત્રો હોય તેને નીરાશ થવાનું હોય નહીં. એ સાંભળીને દેવતા “એમ થાઓ” એમ કહીને તિરોધાન થયો; કારણ કે દેવતાઓ મનુષ્યલોકને વિષે વિશેષ વખત રહેતા નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૩