Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને અભયદાન દેવાનો મનોરથ થયો હતો તેથી એનું અભયકુમાર એવું ગુણવાળું નામ થાઓ. નામ પાડીને ઘેર ઘેર કંસારની લાણી મોકલવામાં આવી; કારણ કે મુખ મીઠાં ના કરાવે તો એનું નામ પણ કોણ જાણે ?
હવે પાંચ ધાવમાતાઓથી પાલન કરાતો કુમાર, સમિતિએ કરીને શુદ્ધ એવા સાધુના ચારિત્રની પેઠે રાત્રિદિવસ વૃદ્ધિ પામવા લાગ્યો. લાલનપાલનમાં ઉછરતો એવો એ અભયકુમાર બાળક, જેમ ઉત્તમ રત્ના ચતુર ઝવેરીઓના હાથમાં ફરે તેમ એકબીજા બાધવોના હાથમાં ફરવા લાગ્યો. લોકો એ સ્વરૂપવાન્ કુમારના અંગે ચુંબન કરવા લાગ્યા તે જાણે એના શરીરના કુંદપુષ્પસમાન ઉજ્વળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાને લીધે જ હોય નહીં. શરીર અને કાન્તિએ સિતપક્ષના ચંદ્રમાની સમાન વૃદ્ધિ પામતો એ કુમાર પાંચ વર્ષનો થયો એટલે પોષમાસની ઉજ્વળ પંચમી ને ગુરવારને ઉત્તમ દિવસે એને એની માતાના પિતાએ નિશાળે. બેસાડ્યો. તે વખતે સ્વજનોએ, અભ્યાસ કરવાના મનવાળા એ અભયને, એની પાસે વ્રત કરાવતા હોય નહીં એમ, શ્વેતવસ્ત્ર પહેરાવ્યાં.
વળી એના છત્રાકાર મસ્તકની ઉપર શોભાને અર્થે કુસુમનો મુકુટ પહેરાવવામાં આવ્યો કારણ કે પુષ્પને હંમેશાં ઉચ્ચ જ સ્થાન મળે છે. એના કંઠપ્રદેશને વિષે પણ કુસુમની માળા રાખવામાં આવી, તે જાણે એના હૃદયમાં રહેલી ઉત્પત્તિકી પ્રમુખ બુદ્ધિઓની પૂજાને અર્થે જ હોય નહીં ! વળી સકળ વિશ્વના ભૂષણરૂપ એવા એ કુમારને આભૂષણ પણ પહેરાવવામાં આવ્યા; કારણ કે સુવર્ણની મુદ્રિકા હોય તેમાં પણ મણિ બેસાડે છે. પછી એને એક ઉત્તમ અશ્વ પર બેસાડવામાં આવ્યો પણ એમાં કાંઈપણ આશ્ચર્ય નહોતું કારણ કે થોડા સમયમાં તો એ હસ્તિ પર પણ બેસવાનો છે. વળી એના મસ્તક પર રમ્ય ને શોભાયમાન છત્ર પણ ધરવામાં આવ્યું તે જાણે પાદ વડે સ્પર્શ કરતા સૂર્યથી એને દૂષણ ન લાગે એટલા માટે જ હોય નહીં ? પછી બારે પ્રકારના
૧. વ્રતવાળા માણસો શ્વેત વસ્ત્રો ધારણ કરે છે એવો રિવાજ છે; કારણ કે શ્વેત સિવાયના બીજા વર્ણ ઈન્દ્રિયોને સતેજ કરવાવાળા છે, (જે વ્રતિને ન જોઈએ)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૩૮