Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જળ વડે સિંચાવાથી કલ્પલતા માણસોને અતિ ફળદાયક થાય છે.
પછી જ્યારે જ્યારે પેલી દાસીઓ ત્યાં કંઈ લેવાને આવે ત્યારે અભયકુમાર પેલી ભુપતિની છબિની મહા આદરસહિત પૂજા કરે; અથવા તો કઈ કનિષ્ટદશાને વિષે પણ એવા મોટા પુરુષોની ચેષ્ટા નથી શોભતી ? એ જોઈ પેલી દાસીઓએ પૂછ્યું-શેઠ ! તમે હંમેશાં દેવના જેવી ભક્તિથી આ કોની પૂજા કરો છો ? અભયે કહ્યું-ભાગ્યશાળી એવા આ મારા સ્વામી શ્રેણિકરાજા છે. એટલે પેલીઓએ તે છબિ જોવા લીધી અને જોઈને કહેવા લાગી-અહો આનું રૂપ કામદેવને પણ જીતી લે એવું છે. એનો વર્ણ સુવર્ણને પણ નિસ્તેજ કરી નાંખે એવો છે. અહો ! એનું પુણ્ય અને લાવણ્ય અગણિત છે. અભયે કહ્યું–બાઈઓ ! એ જેવા રૂપવંતા છે એના એકસોમે અંશે પણ આ છબિમાં આલેખાયા નથી. વિધાતા પણ એને કાકતાલીય-ન્યાયથી (અણધાર્યા) આવા બનાવીને વિસ્મિત થયા છે. એમણે પોતાના શૌર્યગુણ વડે સિંહનો પરાજય કર્યો છે, અવર્યુ એવા ગર્વિષ્ટ સ્વભાવે કરીને નાગને નિસ્તેજ કરી નાંખ્યો છે, ગાંભીર્ય ગુણ વડે મહાસાગરની કીર્તિ હરી લીધી છે, અને ધૈર્યગુણ વડે, ગતિવાળી પૃથ્વીને ધારણ કરી રાખનાર એવા ભીષ્મપિતા પર પણ વિજય મેળવ્યો છે. વધારે શું કહું ? ત્રણે જગતને વિષે જે જે સદગુણો છે તે સર્વેએ એકસામટો એનામાં વાસ કર્યો છે; જેવી રીતે સૂર્ય-ચંદ્ર-નક્ષત્રગ્રહ અને તારાઓ સર્વ સાથે આકાશને વિષે વાસ કરી રહ્યા છે તેમ.
આ બધું જોઈ તથા સાંભળીને દાસીઓએ સુજ્યેષ્ઠા પાસે જઈને કહ્યું- હે સ્વામિની ! એક વણિકશ્રેષ્ઠીની પાસે અમે એક પટમાં આલેખેલું પુરુષનું રૂપ જોયું તેવું રૂપ ભૂતકાળને વિષે નહોતું-ભવિષ્યને વિષે પણ થવાનું નથી. તે સાંભળીને ચેટક-રાજપુત્રીને તે રૂપ જોવાની તીવ્ર અભિલાષા થઈ; કારણ કે એવી વયે એવી અપૂર્વદષ્ટ વસ્તુ જોવાને કોનું મન ઉત્સુક ન થાય ? એટલે તેણે પોતાની સખી સમાન એવી એક મુખ્ય દાસીને તે લઈ આવવાનું કહ્યું; કારણ કે ગુપ્તવાત જેની તેની પાસે કહેવાય નહીં. તે દાસી પણ રાજપુત્ર પાસે જઈને ચિત્રપટની યાચના કરવા લાગી-મારી બાઈને એ જોવાની બહુ ઈચ્છા થઈ છે; કારણ કે જોવા લાયક વસ્તુને જોવી એજ નેત્રો પામ્યાનું ફળ છે, પણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૭