Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કારણ કે વિજ્ઞાનશાળી જનોએ પણ કંઈ પણ કાર્ય પોતાની ઈચ્છાનુસાર ન કરવું; તો દીક્ષાના સંબંધમાં તો શું જ કહેવું ? કારાગૃહ સમાન આ સંસારમાં રહેવારૂપ પાશથી, હું બંદિજનની પેઠે કંટાળી ગઈ છું; માટે હું આપની કૃપાથી, અચિંત્ય ચિંતારત્નના જેવી દીક્ષાને ગ્રહણ કરીશ. તે સાંભળીને રાજાએ કહ્યું-ઉત્કૃષ્ટ એવા જ્યેષ્ઠપદ (મોક્ષ)ની અભિલાષાને લીધે, ‘સુજ્યેષ્ઠા' એવા યથાર્થ નામને ધારણ કરનારી તારા જેવી પુત્રીથી મને ઘણો હર્ષ થાય છે. બાલ્યાવસ્થાને વિષે જ ઉત્તમ ચારિત્રની ઈચ્છા કરનારી એવી તું મારી સર્વ પુત્રીઓને વિષે, કુળના આભૂષણરૂપ છો; અથવા તો, વંશલતાઓ ઘણી હોય છે. પણ પ્રાસાદને શોભાવનારી કોઈ વિરલ જ દેખાય છે, પછી રાજકુમારીએ ચંદના નામના મહત્તરી સાધ્વીની સમીપે મહા આડંબર સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી; કારણ કે હંસી તો કમલિનીને વિષે જ ક્રીડા કરે છે.
હવે અહીં રથને વિષે, જેને ખબર નથી પડી એવો શ્રેણિકરાજા તો ચેલ્લણા પ્રતિ પોતાની પટ્ટરાણીની સમાન આદરસત્કાર બતાવતો, તેને વિષે જ એકચિત્ત થયો છતો, મંત્રાક્ષરો ઉચ્ચારતો હોય નહીં એમ વારંવાર ‘સુજ્યેષ્ઠા' ‘સુજ્યેષ્ઠા' એમ બોલવા લાગ્યો. એટલે ચેલ્લણાએ કહ્યું-હે રાજન્ ! હું સુજ્યેષ્ઠા નથી; હું તેની બહેન ચેલ્લણા છું; તે ન આવી એમાં મારાં ભાગ્યે જ એવાં ઠર્યાં (મારા ભાગ્યનો જ દોષ છે). રાજાએ તેને સમજાવી-હે મૃગાક્ષી ! તું જ મારે મન સુજ્યેષ્ઠા છો. તું એનાથી કોઈ રીતે હીન નથી; કારણ કે ચંદ્રમાની કોઈ પણ કળા બીજીથી ઊતરતી નથી.
પણ ચેલ્લણા, આવો પતિ મળવાથી હર્ષિત થઈ, ને તે સાથે જ અત્યંત દુઃસહ એવા બહેનના વિયોગથી ખિન્ન થઈ; કારણ કે સંસારનું સુખ એક જ રંગનું ન હોતાં ભિન્ન ભિન્ન રંગનું હોય છે. જેને લાભની સાથે હાનિ પણ થઈ છે એવો શ્રેણિકરાજા થોડા દિવસમાં પોતાને નગરે પહોંચ્યોઃ નદીનાં જળથી પૂરાતા પણ વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય જ નહીં. બુદ્ધિસાગર અભયકુમાર પણ શ્રેણિકકુમાર રાજાની પાછળ ત્વરિત આવી પહોંચ્યો; કારણ કે વિદ્વાન્ પુરુષો તીર્થને વિષે જઈને ફળ જ ગ્રહણ કરીને આવતા રહે છે, ત્યાં સ્થિરવાસ કરીને વસતા નથી. મહાઉદાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
43