Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
લક્ષણો હોય નહીં એવા છે.
આની જિલ્ડા કંઈક રક્તવર્ણી અને સ્પષ્ટ છે; કમળસમાન કાંતિવાળું તાળુ શૂરાતનને સૂચવનારું છે; કપોળયુગળ, જાણે મૃદુવાણી અને લક્ષ્મીને સુખે વિશ્રામ લેવાને ઓશીકાં જ હોય નહીં એવા છે. આની નાસિકા દીર્ઘ, ઊંચી અને સરલ છે તે જાણે બુદ્ધિના વિજયથી પ્રાપ્ત થયેલી કીર્તિની યષ્ટિ હોય નહીં ! આનાં નીલવર્ણા કમળ-પુષ્પ જેવાં નેત્રો જાણે બંને લોકને જોવાથી જ હોય નહીં એમ પ્રફુલ્લિતા થયેલાં છે. વળી આની ભ્રકુટી, પુણ્યરૂપી કણના સમૂહથી પૂર્ણ એવા ક્ષેત્રને વિષે પાપરૂપી કાક-પક્ષીઓનો નિષેધ કરવાને, સુંદર નાસિકારૂપી વંશની ઉપર, ભાલની ઉર્ધ્વ રેખાના મિષથી, ખેંચાતી છે પણછ જેની એવું, શરયુક્ત ધનુષ્ય હોય નહીં શું એવી શોભે છે ! આના દોલાની સમાન આકૃતિવાળા, રચનાવિશેષને લીધે રમ્ય તથા સ્કંધ પર્યન્ત આવીને વિશ્રાન્ત થયેલા કર્ણ, જાણે બુદ્ધિના, ત્યાં આવીને ક્રીડા કરી રહેલા વિમર્શ અને પ્રકર્ષ નામના ભ્રાતૃસુત (ભત્રીજા) હોય નહીં એવા છે !
વળી આનાં નેત્રો છે તે તો જાણે કમળ જ છે; મુખ જાણે નવીન ચંદ્રમા છે; અને સ્નિગ્ધ અંજન સમાન શ્યામ એવા કેશ છે તે તો જાણે સ્ત્રીઓનાં મનને બાંધી લેવાને પાશ સમાન છે. આના મસ્તક પર વાળના ગુચ્છ દક્ષિણ દિશા તરફ વળેલા છે એ પણ એને અનુકૂળ છે, પણ એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે દક્ષિણ એટલે દક્ષ જનોને આખી પૃથ્વી દક્ષિણ એટલે અનુકૂળ જ હોય છે. એણે ગતિથી રાજહંસોને જીતી લીધાં છે તો એ મંત્રશક્તિથી પણ રાજહંસોને જીતી લેશે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી આ બુદ્ધિમાન કુમારે પોતાના સ્વરથી, જળભર્યા ભાદ્રપદના મેઘને જીતી લીધો છે એ પણ યુક્ત જ છે. વળી આ જે ઊંચી પદવીની ઈચ્છા રાખે છે તે નિશ્ચયે ઉર્ધ્વદર્શી છે અથવા તો એનું જે જે અંગ હું જોઉં છું તે તે મને સુંદર અને લોકોત્તર લાગે છે. શું વિધાતાએ સામુદ્રિક શાસ્ત્ર જોઈને એમાં કહેલાં લક્ષણોએ
૧. લાકડી. ૨. હિંચકો. ૩. એ નામના પક્ષીઓ. ૪. ઉત્તમ રાજા. ૫. એ મેઘનો સ્વર ગંભીર છે; પણ આ કુમારનો તો એથી વધારે ગંભીર છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૪૯