Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્વની જલશુદ્ધિ વિનાની ચેષ્ટાઓ ફોતરાં ખાંડવા જેવી (વૃથા) છે.
એ સર્વ સાંભળીને, શાસ્ત્રને વિષે તીક્ષ્ણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તેને કહ્યું-અરે તાપસી ! તું સ્મશાનને વિષે રહી છો તેથી તને આ વાયુ થયું છે ? કે ઘેલી બની ગઈ છો ? અથવા તને સન્નિપાત થયો છે ? બલિષ્ટ ગ્રહોએ તારું ગ્રહણ કર્યું છે ? તને કોઈએ ઠગી છે ? અથવા વૃદ્ધાવસ્થાને લીધે તું કંઈ ચળી ગઈ છે ? કે જેથી તું આવી વિપરીત વાત સમજાવે છે ? તું “જલશુદ્ધિ એજ ધર્મ” એમ જે કહે છે તે સત્ય નથી. શુદ્ધિ તો પાંચ પ્રકારે છે-પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, અને ત્રીજી તપઃશુદ્ધિ છે; ચોથી શુદ્ધિ પોતાની ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવો એ છે; અને જળશુદ્ધિ તો છેલ્લી છે. એ ચાર શુદ્ધિ વિના જળશુદ્ધિ ગમે એવી રીતે કરે તોપણ પાપરૂપી પંકથી લેપાયલો આત્મા મધના પાત્રની જેમ શુદ્ધ થતો જ નથી. હે દુષ્ટ બુદ્ધિવાળી ! જો જળને વિષે પડી તેને ખૂબ મંથન કરવાથી જ ધર્મ સધાતો હોય તો તો જળમાં જ રહેનારા શિશુમાર-મત્સ્ય-બક આદિ પ્રાણીઓ સૌથી પ્રથમ સ્વર્ગે જાય. જો જળથી જ પરલોકસિદ્ધિ થાય છે તો તેં આવો દંભરૂપ પાખંડ કેમ આદર્યો ? દેડકીની પેઠે નદીના જળમાં તું કેમ નથી પડી રહેતી ? પવિત્ર અને માનયુક્ત જળથી શુદ્ધિ કરી જિનોપદિષ્ટ માર્ગને વિષે પ્રવર્તનાર પ્રાણીઓ જ સંસારસાગરને તરી જાય છે; પણ તારા જેવા પ્રાણીઓ તો બીજાઓને સાથે લઈને ડુબે છે.
એ સાંભળીને તાપસીમાં તો ઉત્તર આપવાનું સામર્થ્ય રહ્યું નહીં; તેનું ચિત્ત વિલક્ષ બની ગયું; અને તેણે મૌન ધારણ કર્યું: કારણ કે જગને વિષે સૂર્યની પ્રભા સ્ફુરાયમાન થાય એટલે પતંગીઆની કાન્તિને ક્યાંથી અવકાશ મળે ? પછી પોતાની સ્વામિનીના મતનો વિજય થયો તેથી હર્ષ પામેલી અંતઃપુરની દાસીઓ શોર મચાવી મૂકી પરસ્પર તાળી દેવા લાગી, અને નાનાં બાળકો કોઈ ઘેલી થઈ ગયેલી સ્ત્રીને હસે તેમ, મોટેથી તેનો ઉપહાસ કરવા લાગી; એટલું જ નહીં પણ, એમ થવાથી નિસ્તેજ થઈ ગયેલા મુખવાળી તે તાપસીને સાપણની જેમ કંઠેથી પકડીને બહાર કાઢી મૂકી: બિચારી દુઃખી તો હતી તેને વળી વધારે દુ:ખી કરવાને ચુંટવા માંડી (પડ્યા ઉપર પાટુનો માર પડ્યો). આમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૭૨