Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરવા આવ્યા છો. કુષ્માંડવલ્લીને" કલ્પવલ્લીની બક્ષિસ મળશે ખરી ?
એમ કહી તે ઘરમાંથી તેલનો ઘડો લઈને આવી; પણ તુરત તે દેવની શક્તિથી ભૂમિ ઉપર પડી ગયો. તેથી તે ભાંગી ગયો, પણ શ્રેષ્ઠભાવયુક્ત એવું તેનું (સુલસાનું) મન ભાંગ્યું નહીં. બીજો ઘડો. આપ્યો તે પણ તેજ પ્રમાણે ફુટી ગયો; પણ તેનો આત્મા લેશમાત્ર વિષાદ ન પામ્યો; નહીં તો તેનું નામ ચતુર્થ સંઘ (શ્રાવિકાઓ)ને વિષે સૌથી પ્રથમ (લેવાય છે તે) ન લેવાત. ત્રીજો ઘડો લાવી તો તે પણ ભાંગ્યો તથાપિ ચિત્તને વિષે પણ તેણે શાપ ઉચાર્યો નહીં. પણ હવે પોતે સાધુની પ્રાર્થના પૂર્ણ કરવાને બેનસીબ થઈ તેથી પોતાના આત્માની અતિનિંદા કરવા લાગી. સુપાત્રને ખપની યોગ્ય સામગ્રી મારી પાસે હોવા છતાં પણ તેનો કેવી રીતે સહસા એકસામટો નાશ થયો ? માટે હું જ નિશ્ચયે અપુણ્યરાશિવાળી ઠરી; અથવા તો અજાના મુખમાં કુષ્માંડ ફળ સમાય જ ક્યાંથી ? પેલા દેવતાએ પણ તેની આવી શ્રદ્ધા અને મેરૂ સમાન નિશ્ચળ સ્વભાવ જોઈને, પોતાની ઉત્તમ કાન્તિવાળું રૂપ જાહેર કર્યું, જેમાં ઈન્દ્ર ભરત પાસે પોતાનો અંગુઠો જાહેર કર્યો હતો તેમ.
આમ પોતાના મૂળ રૂપમાં પ્રસિદ્ધ થઈને તે દેવ કહેવા લાગ્યોહે કલ્યાણિ ! સુરલોકને વિષે ઈન્દ્ર તારી પ્રશંસા કરી; પણ દૂરભવ્ય જન જિનેશ્વરની વાણીને જેમ માને નહીં તેમ મારા જેવા મૂર્ખશિરોમણિએ એ વાત સત્ય માની નહીં. હું સૌધર્મકલ્પનો નિવાસી દેવ છું. જેવી રીતે સનતકુમારની ધર્મને વિષે પરીક્ષા કરવાને પૂર્વે બે દેવતા આવ્યા હતા, તેવી રીતે હું પણ ધર્મશીલને વિષે તારી પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો છું. હે ઉત્તમ શ્રાવિકા ! દેવલોકના અધિપતિએ કહી હતી. તે કરતાં પણ તું અધિક છે. કારણ કે સુવર્ણની શલાકાની જેમ તું છેદ-તાપ-અને કસને વિષે પૂર્ણ નીવડી છો. હે સુશ્રાવિકા ! તું સગુણોની એક ભૂમિરૂપ છો, તથાપિ તારામાં એક પરમ દોષ છે કે તેં તારી ક્ષીરસમાન ઉજ્વળ કીર્તિ વડે સૌધર્મદેવલોકને શ્વેત બનાવી
૧. કુષ્માંડ એક હલકી જાતનો વેલો થાય છે. કલ્પવલ્લી=કલ્પવૃક્ષની લતા. સુલસા કહે છે કે મારા જેવી કુષ્માંડવલ્લીને કલ્પવૃક્ષની બક્ષીસ ક્યાંથી ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)