Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વાજિંત્રોના મંજુલ સ્વરની વચ્ચે, ગીત ગાતી સુંદર સ્ત્રીઓ સહિત અને એકત્ર થયેલા નિશાળીઆઓની સંગાથે, પ્રજ્ઞાવિશાળા ભવ્યપુરુષને શ્રી જિનાગમ પાસે લઈ જાય તેમ શ્રેષ્ઠ અભયને ઉપાધ્યાયને ઘેર લઈ
ચાલ્યા.
ત્યાં અભયે સરસ્વતી દેવીને ભક્તિ સહિત નૈવેદ્ય વડે પૂજીને નમન કર્યું; કારણ કે એની જ કૃપાથી શ્રુતસાગર તરી શકાય છે. પછી એ ઉપાધ્યાયની પૂજા કરી નમીને એમની પાસે બેઠો; કારણ કે એક પદ શીખવનાર ગુરુ પૂજવા યોગ્ય છે તો શાસ્ત્ર શીખવનાર હોય એમાં શું આશ્ચર્ય ? (શિષ્ય પાસે બેઠો એટલે) ગુરુએ પોતે એને મૂળાક્ષરોની વાચના આપી કારણ કે ગુરુનો હસ્ત પહેલ વહેલો કલ્પદ્રુમ જેવો છે. પછી નિશાળીઆઓને ખાવાની વસ્તુઓથી ભરેલા ખડીઆ પ્રમુખ આપ્યા; કારણ કે સર્વ કોઈ પોતપોતાના સ્થાનને ઈચ્છે છે.
આ પ્રમાણે જેનું નિશાળગરણું કરવામાં આવ્યું એવો શ્રેણિકપુત્ર અભયકુમાર, શય્યામાંથી ઊઠીને, નાનું બાળક માતા પાસે જાય તેમ, નિશાળે જવા લાગ્યો. વિનયી, રસિક અને બુદ્ધિવંત એવો એ પ્રેરણા વિના જ શીખવા લાગ્યો, કારણ કે કળા પૂરવામાં મયૂરને બીજાના ઉપદેશની જરૂર પડતી નથી. પછી તે એકસરખા, ભરેલા, ગોળ અને છૂટા છૂટા અક્ષરો પાટી પર પોતાને હાથે લખવા મંડ્યો.
વળી અનધ્યાયને દિવસે તે કોઈ વખતે વેષ કાઢવાની, તો કોઈ વખતે ગેડીદડાની, એક વાર ચોપાટની તો બીજી વાર ઘોડા-ઘોડાની, આજે એક પગે ચાલવાની તો કાલે વર્તુળાકારે ફરવાની, કોઈ વખત ભમરડાની તો બીજી વખત કોડીઓની-એવી એવી રમતો પોતાના સમાન વયના નિશાળીઆઓની સાથે રમવા લાગ્યોઃ અહો બાળકોનો સ્વભાવ કેવો દુરતિક્રમ છે ? આઠમે વર્ષે તો એણે, દર્પણ પદાર્થોને ગ્રહણ કરે તેમ, લેખનથી તે પક્ષીઓના રૂદન સમજવા સુધીની બ્યોતેરે કળા ગ્રહણ કરી લીધી.
એકદા અભયને કોઈ બાળક સાથે કલહ થયો; કારણ કે સોબત છે, તેજ પ્રાયઃ દ્વેષ કરાવનારી છે. પેલાએ કહ્યું-અભય ! તને પાંચ
૧. જુઓ, ઉપમિત ભવપ્રપંચ કથા. એમાં કહેલી અમુક વાતને ઉદ્દેશીને આ કહ્યું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૯