Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ચારસોને નવાણું મંત્રીઓ તો પ્રાપ્ત કર્યા છે; પણ એ હવે બૃહસ્પતિનો પણ પરાજય કરે એવા કોઈ શ્રેષ્ઠ નરને તેમનો અગ્રેસર સ્થાપવાને ઈચ્છે છે. એટલા માટે એવા નરવીરની પરીક્ષાને અર્થે રાજાએ પોતાની મદ્રિકાને, ભમિને વિષે નિધાનની પેઠે, અહીં એક શુષ્ક કૂવાને વિષે નાખી છે; અને પોતાના સેવકજનોને એવો આદેશ કર્યો છે કે જે વીરપુરુષ કૂવાના તટ પર રહીને જ, લોહચુંબકમણિ લોહને આકર્ષે તેમ, પોતાના હાથવતી એ અંગુઠીને ગ્રહણ કરશે એને હું એના એ બુદ્ધિકૌશલ્યને ખરીદનારી મુખ્ય અમાત્યની પદવી આપીશ, અર્ધરાજ્ય આપીશ અને વળી મારી પુત્રી પણ પરણાવીશ; અથવા તો એવા પુરુષરત્નને જેટલું આપીએ એટલું ઓછું છે.
આ સાંભળીને અભયને કૂતુહલ ઉત્પન્ન થયું તેથી તે, એક આખલો જેમ ગાયના વાડાને વિષે પ્રવેશ કરે તેમ એ માણસોના ટોળામાં પેઠો; ને કહેવા લાગ્યો-અરે ભાઈઓ ! તમે એ અંગુઠીને કેમ નથી લઈ લેતા ? એ કાર્ય અશક્ય નથી. તમે કેમ ચિંતામાં પડ્યા છો ? લોકોએ ઉત્તર આપ્યો-વત્સ ! અમે તો દર્પણને વિષે પ્રતિબિમ્બરૂપે રહેલા મુખની જેવી એ અંગુઠીને ગ્રહણ કરવાને અસમર્થ છીએ. એટલે અભયે. પૂછ્યું-કોઈ પરદેશી પણ એ લઈ શકે ખરો ? તેને ઉત્તર મળ્યો-ભાઈ ! એમાં શું ? ગાયો વાળે તે અર્જુન.૧ “અનેક દેશોમાં ફરેલા, વયોવૃદ્ધ, શાસ્ત્રપારંગત અને વળી પળી સુદ્ધાં આવેલા એવા અમારા જેવામાં પણ તે ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી તો આ ઉત્કંઠાવાળો છતાં પણ લઘુ બાળક જેવો એ કેવી રીતે લઈ શકશે ? ઊંચે હોવાથી દુપ્રાપ્ય એવા ફળને વામન નર કેવી રીતે પહોંચી શકશે ? અથવા તો જેવું એના મુખનું તેજ છે એવી એનામાં કળા પણ હશે; કારણ કે ચંદ્રમાને વિષે પણ જે કાન્તિનો સમૂહ રહેલો છે એ એની કળાઓને લીધે જ છે.”
લોકો આ પ્રમાણે વિચાર કરે છે એવામાં તો અભયકુમારે સેવકો પાસે તાજું ગોમય મંગાવ્યું અને એ પેલી મુદ્રિકા પર ફેંક્યું, તેથી
૧. અત્યારે આપણામાં આને મળતી એવી કહેવત છે કે “ગાયો વાળે તે ગોવાળ.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
४४