Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તે વખતે, અત્યંત પરિશ્રમને લીધે સરી જતી નીવીને વામ હસ્ત વડે ગ્રહણ કરી રાખતી, ઊતરી જતા ઉત્તરીય વસ્ત્રને દક્ષિણ હસ્તવડે મસ્તક પર લઈ લેતી, ક્રીડારથને જોતરેલા બળદની પેઠે અતિશય હાંફતી, અને નિતમ્બ તથા વૃક્ષોજના ભારને લીધે પદે પદે સ્ખલના પામતી પ્રિયંકરા નામની દાસી શીઘ્ર શ્રેષ્ઠીની પાસે પહોંચી; અથવા લાભ થતો હોય તો કોણ ત્વરા નથી કરતું ? શ્રેષ્ઠીની પાસે જઈ એણે વધામણી આપી કે, “હે તાત ! આપની પુત્રી નન્દાને દેવકુમાર તુલ્ય પુત્રનો પ્રસવ થયો છે.” એ સાંભળીને શેઠે એને પોતે પહેરેલાં મુદ્રિકા આદિ તથા એક સુવર્ણની જીવ્હિકા આપ્યાં; કારણ કે ઉદાર પુરુષો પ્રિયભાષણ કરનારને શું નથી આપતાં; વળી હર્ષને લીધે શેઠે એને દાસપણામાંથી પણ મુક્ત કરી; અથવા તો પુણ્યવંત પુરુષોનો જન્મ કોના અભ્યુદયને માટે નથી થતો ?
પછી આ બાળક અગ્રેસર થઈને ધર્મધુરાને ધારણ કરશે તથા દુષ્કર્મરૂપી ધાન્યોને ચૂર્ણ કરી નાંખશે એમ સૂચવનારા, ખડીથી ચિત્રેલા, જયસ્તંભ અને મુશલ, સૂતિકાગૃહના દ્વારની દક્ષિણ અને વામ બાજુએ મૂકવામાં આવ્યા. બન્ધુઓ ઘરે નાના પ્રકારના તોરણ બાંધી સુંદર વસ્ત્રાભરણ પહેરવા લાગ્યા. વાજિંત્રોના નાદ થવા લાગ્યા; સૌભાગ્યવંતી સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, ગવૈયા ગીત ગાવા લાગ્યા, અક્ષતના પાત્રો આવવા લાગ્યા અને ગોળધાણા વહેંચાવા લાગ્યા. સુંદરીઓ પોતાનાં ગૌરવર્ણા મુખ સુવર્ણવર્ણા કરવા લાગી; અને ભાલને વિષે સાક્ષાત્ રાગ હોય નહીં એવા કુંકુમના સ્તબંકો' કરવા લાગી. વળી આ બાળકની પાસે, માંગલિકને અર્થે લાલ કસુંબાવાળું અને આમ્રવૃક્ષના પત્રોએ યુક્ત એવું દર્પણ ધરવામાં આવ્યું તે જાણે, મસ્તકે લાલ કપડું બાંધીને પોતાનાભ્રાતા કલ્પવૃક્ષના અંગજ એવા પત્રો સહિત ચંદ્રમા, બૃહસ્પતિને પણ જીતનારા એવા આ બાળકની પાસે વિદ્યા શીખવા આવેલો હોય નહીં શું ?
૧. જીભ. જીભવતી હર્ષના સમાચાર આપ્યા માટે સુવર્ણની બનાવેલી જીભ (એટલે જીભના ઘાટનો સુવર્ણના પત્રાનો કટકો) આપ્યો.
૨. રાગ (૧) સ્નેહ. (૨) રંગ. ૩. આડ; પીળ. છૂંદણા (?)
૩૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)