Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દુષ્કર રહેતો નથી (સરલ થઈ જાય છે). કુળની વડીલ સ્ત્રીઓએ પણ, નિર્બળ શત્રુઓ પર બાણનો વરસાદ વરસાવવામાં આવે છે તેમ, એના મસ્તક પર દહીં, દુર્વા અને અક્ષતની વૃષ્ટિ કરી.
પછી કૃતકૃત્ય એવો પ્રસેનજિત્ રાજા સૂરિની જેમ, નવા રાજાને, રાજાને યોગ્ય એવી શિક્ષા આપવા લાગ્યો :- હે મહાસામન્તોના અધિપતિ ચિરકાળ પર્યન્ત રાજ્ય કરવાની ઈચ્છાવાળા તારા જેવા રાજપુત્રે પદાતિ સૈન્યને પોતાના સમાન ગણવું; કારણકે એના વિના મહાકાર્ય સાધવું હોય તે સધાતું નથી. અને વાડ વિના વૃક્ષની રક્ષા થતી નથી તેમ એના વિના શરીરની રક્ષા પણ થતી નથી. વળી સર્વ મંત્રી પ્રમુખ અધિકારીઓને એવી રીતે રાખજે કે જેથી એઓ કદાપિ પણ ઉદાસીન થઈને કાર્યની ઉપેક્ષા કરે નહીં. હે પૃથ્વીપતિ ! આમ કરીને તારે તારી પ્રજાનું, તારી પોતાની સંતતિની પેઠે પાલન કરવું; તે એવી રીતે કે એને તારા પૂર્વજોનું સ્મરણ કરવું પડે નહીં. કોઠાર અને કોશ પણ તેમને જ હોય છે કે જેઓ પોતાની પ્રજાનું પાલન કરે છે; કારણ કે દહીં વિના માખણની આશા રાખવી વ્યર્થ છે. વળી તારે ધર્મ-સિદ્ધિને અર્થે સર્વ તપસ્વિઓની રક્ષા કરવી; અને જીવિતવ્યને અર્થે બીજા અંગોની રક્ષા કરતાં મસ્તકની રક્ષા સવિશેષ કરવી. હે રાજન્! તારે એવી પ્રવૃત્તિ રાખવી કે જેથી કલ્પદ્રુમની પેઠે તને સર્વ ન્યાયશાલી પુરુષોરૂપ તરૂવરોની મધ્યે પ્રથમ પંક્તિ પ્રાપ્ત થાય.
પિતાના આ સર્વ આદેશને શ્રેણિકે અંજલિ જોડી મેઘજળને ગ્રહણ કરતા ચાતકની જેમ પડતાં પૂર્વેજ ગ્રહણ કર્યા.
પુત્રની પછી સામન્ત આદિ પરિગ્રહને પણ પ્રસેનજિત્ રાજાએ શિક્ષાવચન કહ્યાં કારણ કે બંને પક્ષને શિખામણ દેવી એજ ખરી શિખામણ કહેવાય છે :
આટલા દિવસ પર્યન્ત મેં તમને પુત્રપેરે પાળ્યા છે; તમને કદાપિ પુષ્પનો પ્રહાર પણ કર્યો નથી; તો હવે આ 'કુવલયાનન્દ,
૧. ૧-૨-૩ આ ત્રણે વિશેષણો કુમારને માટે તેમજ ચંદ્રમાના પણ છે. કુમારની સાથે લેતાં (૧) પૃથ્વીરૂપી વલયને આનંદ આપનાર (૨) અજ્ઞાન રૂપી તમ:અંધકાર-ને ભેદનાર (૩) કળા-પુરુષની ૭૨ કળા-નો નિધાન.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
30