________________
૨૫
સ્વાધ્યાય સુધા
અભિનિવેશ. જો જીવ સત્સમાગમયોગે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ’નો ત્યાગ થાય અને આત્મા નિરાવરણરૂપે પ્રગટ થવાનો જોગ બાઝે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે....આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને; એટલો લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી.
આમ લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. (૫-૭૦૪)
૧૮. આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તો પણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે.
૧૯. ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કષાયના એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્ત્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે.
ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. તેમાં ચક્રવર્તી છે તેને ૬ ખંડનું રાજ્ય જીતવાનું હોય છે. તેથી તે યુદ્ધ ક્રોધાદિભાવે કરે છે, ૬ ખંડ જીતવા માટે સંગ્રામ ચલાવે છે જેમાં ઘણા મનુષ્યોની ઘાત થાય છે અને એમાં પાછા કેટલાક તે જ ભવે મોક્ષે ગયા. તો વિચાર થાય આપણા કષાયોમાં અને તેઓના કષાયોમાં ફેર રહેલો છે. આપણા ઉદયને અનુસરી કષાય ઊભા થાય છે અને તેને અનુસરી કષાય કરીએ છીએ. તે કષાય થવાનું આપણા જેવા માટે કર્મબંધનું કારણ બને છે, કારણ કે મોટે ભાગે આપણામાં ઉદ્ભવતાં ક્રોધાદિ-પોતાના માનભંગ થવાના કારણે ઉદ્ભવે છે અને તેથી નવા કર્મના બંધનરૂપ થાય છે. જ્યારે, ચક્રવર્તી આદિ રાજાઓ પોતાના પૂર્વના પુણ્યના યોગે રાજ્ય ચલાવે છે અને લડાઈ પણ કરે છે તોપણ તેઓ એમ સમજે છે કે આ જે કાંઈ મારે કરવું પડે છે તે મારા માટે હિતનું કારણ નથી માટે જાગૃતપણે રહીને કરે છે. તે પ્રવૃત્તિ પૂરી થયે કષાયાદિરૂપ કર્મ ખરી જાય છે અને તેથી નવા કર્મનું બંધન થતું નથી. સામાન્યપણે ચક્રવર્તી રાજાઓ એકત્વ અને અન્યત્વ ભાવનાનું ચિંતન સતત કરતા હોવાથી તે જ ભવમાં પ્રાયઃ મોક્ષે ગયા છે. આ અવસર્પિણી કાળમાં બે ચક્રવર્તી સિવાય બધા તે જ ભવમાં મોક્ષે ગયા છે. બે નથી ગયા તેનું કારણ છે એકને તીવ્ર લોભ કષાય ઉદયમાં રહેવાથી આર્તધ્યાનમાં રહ્યા છે જ્યારે બીજાને ‘નિદાન દોષ'ને કારણે રખડવું પડ્યું છે. પ્રથમમાં છે સુભૂમ ચક્રવર્તી અને બીજા બ્રહ્મદત્ત ચક્રવર્તી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org