________________
૯૦
સ્વાધ્યાય સુધા
(૮) અંતરાય કર્મ :- આત્મા અનંત શક્તિવાળો છે, તે શક્તિને પ્રગટ કરવા માટે જે શક્તિ જો ઈએ તેમાં અંતરાય કરવાવાળું અંતરાય કર્મ છે. અંતરાય શબ્દનો અર્થ છે– વિપ્ન, બાધા, રોકવું અને મુશ્કેલી આવવી. દા.ત. મનુષ્ય પાસે અઢળક સંપત્તિ તેમજ ભોગ્ય સામગ્રી હોવા છતાં તેનામાં ભાવપૂર્વક દાન દેવાની શક્તિનો ઉત્સાહ જાગ્રત થતો નથી તેનું કારણ આ અંતરાય કર્મ છે. વ્યવહારથી જોઈએ તો અંતરાય કર્મના પ્રભાવથી અરુચિ, અસ્વસ્થતા, શોક, ચિંતા આદિ અંતરાય દેવાવાળા કારણો ઊભા થઈ જાય છે. નિશ્ચયનયથી જોઈએ તો આત્મા અનંત શક્તિવાળો હોવા છતાં અપંગતા, વ્યાધિ, આળસ, પરાધીનતા, આસક્તિ, અરુચિ અથવા માનસિક અસંતુલનનું કારણ આત્માની શક્તિ આ કર્મ દ્વારા અવરોધાયેલી છે, તે છે.
અંતરાય કર્મનું કાર્ય છે આત્માને લાભ આદિ પ્રાપ્તિમાં, શુભ કાર્ય કરવાની ક્ષમતામાં અને તપ-શીલાદિની સાધના કરવાના સામર્થ્યમાં અવરોધ ઊભો કરવો. આ કર્મનો ઉદય બનતા કાર્યને બગાડી નાખે છે અને મનુષ્યની આશા પર પણ પાણી ફેરવે છે. આ કર્મનો સ્વભાવ રાજાના દુષ્ટ ભંડારી જેવો છે. જે રાજાએ આપેલા આદેશને કારણે આપવું પડતું ધન આપવામાં પણ આનાકાની કરે છે, ટાળી દેવાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રકારે આત્મારૂપી રાજાને માટે વીતરાગ પરમાત્મા દ્વારા અનંત શક્તિઓ પ્રાપ્ત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હોવા છતાં આ અંતરાય કર્મરૂપી ભંડારી દાનાદિની ઈચ્છામાં, તપ, સંયમાદિ કરવાની ક્ષમતાને કુંઠિત કરી નાખે છે અને અવરોધ કરે છે.
અંતરાય કર્મનો બે રીતે પ્રભાવ :- અંતરાય કર્મ પોતાનો પ્રભાવ બે રીતે દેખાડે છે. (૧) પ્રત્યુત્પન્ન-વિનાશી અને (૨) પિહિતગામી પથ. પ્રત્યુત્પન્ન-વિનાશી અંતરાય કર્મના ઉદયથી પ્રાપ્ત વસ્તુઓનો નાશ અથવા જતી રહેવાનું બને છે. હાથમાં આવેલી બાજી બગાડી નાખે છે અને સ્વ-હસ્તગત વસ્તુ પણ ગાયબ થઈ જાય છે. પિહિતગામી પથ અંતરાય કર્મના ઉદયથી ભવિષ્યમાં પ્રાપ્ત થવાવાળી વસ્તુની પ્રાપ્તિમાં અવરોધ અથવા વિપ્ન આવી પડે છે. આમ અંતરાય કર્મ બે પ્રકારે અવરોધ ઊભો કરે છે. મળેલી સામગ્રીનો તેમજ શક્તિઓનો સમુચિત ઉપયોગ ન કરી શકવો અને કોઈ વ્યક્તિના દાન, લાભ, ભોગ, ઉપભોગ તેમજ શક્તિના ઉપયોગમાં બાધક બનવું એ અંતરાય કર્મના ઉદયનો પ્રભાવ છે. જેમ કે કોઈ દાતાને દાન મેળવનાર વ્યક્તિ અથવા સંસ્થા વિષે ખોટી સૂચના આપવી અથવા ભોજન કરી રહ્યા હોય અથવા ઉપભોગ કરતા વ્યક્તિઓને ભોજન અથવા ઉપભોગ ન કરવા દેવું. મળેલી ઉપલબ્ધિઓમાં અવરોધ ઊભો કરવો એ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org