________________
૧00
સ્વાધ્યાય સુધા
કરે છે અને તે જ આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરવામાં સમર્થ છે. કર્મ પરમાણુ
જ્યારે પ્રાણી કષાયમય બને ત્યારે પ્રત્યેક કર્મ તેનું નિમિત્ત પામીને અનંતગણો રસ ઉત્પન્ન કરે છે, જે આત્માના ગુણોનો ઘાત કરે છે. આ જ રસ બંધ છે (અનુભાગબંધ છે) આને સમજવા માટે ઊંટડી, ભેંસ, ગાય, બકરીના દૂધની ચિકાસનો વિચાર કરવાથી રસબંધ શું છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. ચિકાસનું પ્રમાણ અનુક્રમે ઘટતું જાય છે, તેમ રસની તીવ્રતા કે મંદતા કષાય આધારિત છે. જેમ ઊંટડીના દૂધમાં વધારે શક્તિ છે. ભેંસ અને ગાયના દૂધમાં તેનાથી ઉતરતી શક્તિ છે. બકરીના દૂધમાં પ્રથમના ત્રણ કરતાં ઘણી ઓછી શક્તિ છે તેમ શુભ અથવા અશુભ પ્રકારની પ્રકૃતિઓનો અનુભાગ તીવ્ર તેમજ મંદ હોય છે એટલે અનુભાગબંધ તીવ્ર અને મંદ એમ બે પ્રકારે છે. અશુભ ભાવો સાથે શુભભાવ ભળવાથી મંદ અનુભાગબંધ થાય છે અને સંકલેશ-કષાયી ભાવોથી શુભ પ્રકૃતિઓમાં મંદ અનુભાગ બંધ થાય છે.
તીવ્ર અને મંદ અનુભાગ(રસ)ની શુભ અને અશુભ બન્ને ઉપર ચાર પ્રકારે અસર થાય છે. (૧) તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, અને અત્યંત તીવ્ર તથા (૨) મંદ, મંદતર, મંદતમ અને અત્યંત મંદ. આ બન્નેની અવસ્થા (૧) લીમડાના કડવા રસ ઉપરની પ્રક્રિયા તથા (૨) શેરડીના રસ ઉપરની ગરમ કરવાની પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવી છે. બન્ને રસને ઉકાળવાથી ચાર અવસ્થાઓ થાય છે. તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર, એ જ ઉદાહરણમાં પાણી રેડતા જવાથી મંદ, મંદતર, મંદતમ-અત્યંત મંદ અવસ્થા થાય છે.
આ તીવ્રતા અને મંદતાનું કારણ કષાયની તીવ્રતા કે મંદતા છે. તીવ્ર કષાયથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અને શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગબંધ થાય છે. મંદ કષાયથી અશુભમાં મંદ અને શુભમાં તીવ્ર અનુભાગ બંધ થાય છે.
કષાયની મંદતા અને વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવાથી પુણ્ય-શુભ-પ્રકૃતિઓમાં તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર અનુભાગબંધ થાય છે. તેમજ કષાયની તીવ્રતા અને વિશુદ્ધ પરિણામોમાં ઘટાડો થવાથી પાપ પ્રકૃતિઓમાં તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અને અત્યંત તીવ્ર અનુભાગબંધ થાય છે.
દા.ત. એક વૈદ્યની પાસે માથાના દુઃખાવાના ચાર રોગી આવ્યા. એકને થોડું જ માથું દુ:ખતું હતું તેથી એક ગોળીથી મટી ગયું. બીજાનો દુ:ખાવો વધારે હતો તેને તેજ પાવરવાળી બે ગોળી આપવાથી તેનો દુઃખાવો મટી ગયો. ત્રીજો રોગી કેટલાય દિવસથી પીડાતો હતો તેને તેજ દવા થોડા દિવસ લેવાનું કહ્યું અને ચોથા રોગીનો માથાનો દુ:ખાવો એટલો તીવ્ર હતો કે તેને અત્યંત કડવી દવા આપી, લાંબા સમય સુધી ઉપચાર કરવો પડ્યો. આમ એક ઠાણિયાથી લઈને ચાર ઠાણિયા સુધીનો રસબંધ સમજવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org