________________
સ્વાધ્યાય સુધા
૧૯૩
મોરબી, અષાડ સુદ-૮, ગુરૂ, ૧૯૫૬ (૧) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે.
જ્ઞાનીઓએ ચાર પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એ ચાર પુરુષાર્થ જ્ઞાનીઓએ બે રીતે સમજાવ્યા છે. સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાએ અને ગૃહસ્થની અપેક્ષાએ સમજાવ્યા છે. ૫.કુદેવે આ વાત પત્રાંક-૯૭માં સમજાવી છે.
સર્વસંગ પરિત્યાગની અપેક્ષાએ :- (૧) “વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે, એટલે કે આત્માના સ્વભાવમાં રહેવું તે ધર્મ.' (૨) “જડ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કહ્યો છે.” (૩) “ચિત્ત નિરોધને કામ કહ્યો છે. (૪) “સર્વ બંધનથી મુક્ત થવું' તેને “મોક્ષ' કહ્યો છે.
સામાન્ય - ગૃહસ્થ અપેક્ષાએ :- (૧) ધર્મ-“સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ.” (૨) અર્થ-“વૈભવ લક્ષ્મી, ઉપજીવનનાં સાંસારિક સાધન.” (૩) કામ-‘નિયમિત રીતે સ્ત્રી પરિચય.” (૪) મોક્ષ-સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.”
ધર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે-“અર્થ” અને “કામ” એવા હોવા જોઈએ કે ધર્મ તેનું મૂળ હોવું જોઈએ.” (પત્રાંક-૯૭)
(૨) સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે.
આત્માનો મુખ્ય ધર્મ-મૂળ ધર્મ તો શાંતપણારૂપ સુખ જ છે. તે શુદ્ધ સોના જેવું છે, પણ સમ્યક્ પ્રકારે પુરુષાર્થ કરવાથી આવી પ્રતીતિ આવે છે.
(૩) કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે.
જીવ સુખ કે દુઃખને ભોગવવામાં પરતંત્ર છે, કારણ કે તે તો પૂર્વે કરેલા શુભ કે અશુભ કર્મના ઉદયરૂપ ફળ છે. પરતંત્ર રહેવું એ તો આત્માને સંસારમાં રખડાવવાનો રસ્તો છે. અને દુર્ગતિમાં લઈ જનાર છે, માટે જો સુખ જોઈતું હોય તો ઉદયની સામે જાગૃતિપૂર્વકનો દ્રષ્ટાભાવ કેળવવો જરૂરી છે. જેને આત્માનું સાચું, અવિનાશી, અવ્યાબાધ સુખ જોઈએ છે, તેણે જાગૃતિપૂર્વક દ્રષ્ટાભાવ કેળવીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવતા શીખવું જરૂરી છે.
(૪) તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે.
રત્નત્રય પ્રાપ્ત કરીને ઉદયના દ્રષ્ટા બની જવાથી આ મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય છે અને કેમ કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org