________________
સ્વાધ્યાય સુધા ગોત્ર કર્મની ઉત્તર પ્રવૃતિઓ - ગોત્રકર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે (૧) ઉચ્ચ ગોત્ર અને (૨) નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર કર્મથી જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, શ્રત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. નીચ ગોત્ર કર્મથી જાતિ, કુળાદિની નીચતા ઉત્પન્ન થાય છે.
ગોત્ર કર્મબંધના મૂળ કારણો :- ગોત્રકર્મના ઉચ્ચ-નીચ બંધનો આધાર અભિમાન રહિતપણું અને અહંકાર છે, ધન, સંપત્તિ આદિ નથી. સારા પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લેવાની વાત મહત્વપૂર્ણ છે. ઉચ્ચ કુળમાં ખાનદાની, સભ્યતા, કુલીનતા, સંસ્કૃતિની મહત્તા તથા ભવ્યતાના સંસ્કાર મળે છે. જયારે નીચ કુળમાં હિંસાચરણ, કલહ-કલેશ, પાપાચરણ, સ્વભાવની મલિનતા, બેઈમાની, આદિના ખરાબ સંસ્કાર વારસામાં મળે છે. ગોત્ર કર્મનો બંધ સોળ કારણોથી થાય છે. જેમાંથી આઠ કારણ ઉચ્ચ ગોત્રના બંધ માટે છે તથા આઠ કારણો નીચ ગોત્ર કર્મના બંધનું કારણ છે.
ઉચ્ચ ગોત્ર બંધના કારણો ઃ- (૧) જાતિ મદ ન કરવાથી (૨) કુળનો મદ ન કરવાથી (૩) બળનો મદ ન કરવાથી. (૪) રૂપનો મદ ન કરવાથી (૫) તપનો મદ ન કરવાથી (૬) લાભનો મદ ન કરવાથી (૭) જ્ઞાનનો મદ ન કરવાથી (૮) ઐશ્વર્યનો મદ ન કરવાથી આત્મા ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે.
કર્મગ્રંથમાં ઉચ્ચ ગોત્ર કર્મબંધના ચાર કારણ આ પ્રકારે કહ્યા છે. (૧) બીજાઓના દોષો પ્રત્યે ઉદાસીન રહેવું અને તેના ગુણો જ જોવા. (૨) જાતિ મદ આદિ આઠ પ્રકારનું અભિમાન ન કરવાથી. (૩) સ્વાધ્યાયમાં મગ્ન રહેવાથી (૪) અરિહંત-સિદ્ધઆદિની નિંદા ન કરવાથી.
તત્ત્વાર્થ સૂત્રમાં ઉચ્ચ ગોત્રના ૬ કારણો બતાવ્યા છે.
(૧) આત્મનિંદા (૨) પર પ્રશંસા (૩) પોતાના દોષો પ્રગટ કરવાથી (૪) પોતાના પ્રગટ ગુણોને છુપાવવાથી (૫) નમ્રતા ધારણ કરવાથી (૬) અનુસેક :- બીજાથી વધારે જ્ઞાન હોય તો પણ ગર્વ ધારણ ન કરવો. અધ્યાત્મ ગ્રંથોનું અધ્યયન કરવાથી કે કરાવવાથી.
નીચ ગોત્ર બંધના કારણો :- ઉચ્ચ ગોત્ર કર્મના આઠ કારણોથી વિપરીત વર્તવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. અથવા કર્મગ્રંથમાં જે ૬ કારણો ઉચ્ચ ગોત્ર કર્મ માટે કહ્યા છે તેનાથી વિપરીત વર્તવાથી નીચ ગોત્ર બંધાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં નીચ ગોત્ર બંધના ૪ કારણ બતાવ્યા છે. (૧) પરનિંદા કરવાથી (૨) આત્મપ્રશંસા કરવાથી (૩) બીજાના સદ્ગુણોને દબાવવાથી અને બીજાના ગુણો કહેવાને સમયે દ્વેષ કરવાથી (૪) પોતાનામાં ગુણ ન હોવા છતાં, તેનું પ્રદર્શન કરવું અર્થાત્ પોતાની જૂઠી પ્રશંસા કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org