________________
૬૮
સ્વાધ્યાય સુધા
(૪) લોભ :- બાહ્ય પદાર્થો પ્રતિ મમત્વ અથવા તૃષ્ણાની બુદ્ધિ તે લોભ છે. પોતાપણાનો અધિકાર-માલિકીભાવ અને અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા તેનો લોભમાં સમાવેશ થાય છે. મમતા, સંગ્રહવૃત્તિ, લાલસા, તૃષ્ણા, કામને, મૂચ્છ, આસક્તિ આદિ લોભના બીજા રૂપ છે. આ ચારે કષાય પ્રાણીના ચિત્તને કષાયવાળા બનાવી દે છે.
દરેક જીવને આ કષાય એક સરખી રીતે ઉદયમાં આવતા નથી. એટલા માટે આ ચારે કષાયોના તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મંદ સ્થિતિના કારણે પ્રત્યેકના ચાર પ્રકાર કહ્યા છે. જે ક્રમશઃ તીવ્રતમ સ્થિતિ (અનંતાનુબંધી) તીવ્રતર સ્થિતિ (અપ્રત્યાખ્યાનાવરણીય) તીવ્ર સ્થિતિ (પ્રત્યાખ્યાનાવરણીય) અને મંદ સ્થિતિ (સંજવલન)ના નામથી ઓળખાય છે.
અનંતાનુબંધી કષાય : જે કષાય અનંત સંસારનો અનુબંધ કરાવવાવાળો છે, તેને અનંતાનુબંધી કષાય કહેવાય. આ કષાયના પ્રભાવથી આત્મા અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. આ કષાય સમ્યક્ત્વનો ઘાત કરે છે અને જીવન પર્યન્ત રહે છે. સૂતેલો સાપ જેમ નિમિત્ત મળતાં ઊભો થાય તેમ આ કષાય પ્રગટ થાય છે.
અનંતાનુબંધી કષાય પર્વતમાં પડતી ફાટ સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાટને જોડવી અત્યંત મુશ્કેલ છે તેમ અનંતાનુબંધી કષાય અથાગ પરિશ્રમ અને અનેક ઉપાયો કરવા છતાં પણ શાંત નથી થતો. કઠોર વચન, પરસ્પર વૈર આદિ કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલો ક્રોધ એવો ભયંકર હોય છે કે જે એક જીંદગી સુધી નહી પણ અનેક જન્મોની વૈર પરંપરા સર્જે છે.
અનંતાનુબંધી માન પાષાણના સ્તંભ સમાન અથવા વજસ્તંભ સમાન છે. આવો સ્તંભ તૂટી જાય પણ નમે નહિ તેવી રીતે અભિમાની એવો અક્કડ અને “હું કાંઈક છું તેવા ભાવોની તીવ્રતાવાળો હોવાથી આખી જીંદગી પર્યત તેનામાં નમ્રતા આવતી નથી.
અનંતાનુબંધી માયા વાંસના મૂળની ગાંઠ સમાન છે. જેવી રીતે વાંસના મૂળની ગાંઠ કોઈપણ ઉપાય કરીને સીધી થતી નથી, તે જ પ્રમાણે અનંતાનુબંધી માયા જીવન પર્યંત બની રહે છે. કોઈપણ ઉપાયે સરળતા આવતી નથી.
અનંતાનુબંધી લોભને મજીઠના રંગની ઉપમા આપવામાં આવી છે. જેમ વસ્ત્ર ઉપર એ રંગ ચઢાવવામાં આવે તો એ વસ્ત્રને ગમે તેટલીવાર ધોવામાં આવે તો એ રંગ ફીટતો નથી, એ જ પ્રકારે અનંતાનુબંધી લોભવાળો પોતાની ગમતી વસ્તુ પ્રત્યે પોતાનું સ્વામિત્વ, મમત્વ અથવા મમતા અને એની લાલસા જીંદગી ભર સુધી છોડતો નથી.
સારાંશ એ છે કે અનંતાનુબંધી કષાય જન્મ જન્માંતર સુધી સાથે ચાલે છે. આ કષાયના પ્રભાવથી જીવ નરકમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org