________________
સ્વાધ્યાય સુધા
૩૬
કરે તે સમ્યક્ચારિત્ર. સમ્યક્ચારિત્ર એટલે સમ્યગ્દર્શનજ્ઞાનમાં જ રહેવારૂપ સ્થિતિ. એ પોતાના સ્વભાવમાં જેટલો સમય રહે એટલો એ પોતાના ચારિત્રમાં છે. આ સમ્યકૂચારિત્રની સ્થિતિ જીવ આ કાળમાં સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકે એમ શાસ્ત્રમાં સ્વીકારવામાં (કહેવામાં) આવ્યું છે.
૩૮. સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે.
આ સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક છે. અપ્રમત્ત એટલે શું ? આ સ્થિતિમાં સંસારભાવની લેશમાત્ર પણ અસર થાય નહીં. સંસારની કોઈ પરિસ્થતિ બાધ કરી શકે નહીં. જો જીવ ૭માં ગુણસ્થાનકમાં રહીને દેહ છોડે તો એનો ત્રીજા ભવે મોક્ષ નક્કી છે એટલે કહ્યું કે ૭માં સુધી પહોંચે તો મોટી વાત છે.
૩૯. સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે; અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
૪થું-અવિરતિ સમ્યગ્દષ્ટિ નામનું ગુણસ્થાનક છે ત્યાંથી સમ્યક્ત્વની શરૂઆત થાય છે એટલે સાતમા ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે. ૧લા ગુણસ્થાનકવાળો જીવ ૪થા ગુણસ્થાનકવાળાની દશાનો વિચાર કરે તો તેને કાંઈક સમજણમાં આવી શકે પણ જો તે ૭માં ગુણસ્થાનકવાળાનો વિચાર કરે તો તેને સમજમાં ન આવી શકે, જો એ દશાનું વર્ણન વાંચે તો પણ તે ન સમજી શકે. પણ જો ૪થા ગુણસ્થાનકવાળો જીવ કે જેને અંશે અનુભવ થયો છે તે જો ૭માં ગુણસ્થાનકવાળાની દશા વાંચે તો એ બુદ્ધિપૂર્વક નિર્ણય કરી શકે કે જે કહેવામાં આવ્યું છે તે તેમજ છે. તેવી જ રીતે જો ૭માં ગુણસ્થાનકવાળો સાધક બુદ્ધિથી વિચાર કરે કે ૧૩મા ગુણસ્થાનકવાળાની શું સ્થિતિ છે તો એનો ખ્યાલ તેને આવી શકે અથવા તે દશાનું વર્ણન વાંચે તો એ નિર્ણય કરી શકે કે જે કહ્યું છે તે બરાબર છે. જેમ જેમ પોતાની દશા વધતી જાય તેમ તેમ સમજણમાં આવતું જાય અને જો સમજણમાં આવે તો એ માટે પુરુષાર્થ કરે અને એમ કરીને એ આગળ વધી શકે છે.
૪૦. વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી; અને ન હોય તો માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું.
આ વાત સાધકે બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. દશા વધતી હોય તો તેનો આનંદ લેવાનો છે. પણ દશા થઈ ન હોય અને માનવામાં આવે તો જીવને ઉલટો પરિભ્રમણનો હેતુ બની જાય છે. માટે કોઈ રીતે નિષેધ ન કરતાં પુરુષાર્થ દ્વારા આગળ વધવું એ જ શ્રેય છે, કલ્યાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org