________________
૪૩
સ્વાધ્યાય સુધા
અને જે શ્રુતજ્ઞાન સાંભળવા મળ્યું એ વિચારપૂર્વક બુદ્ધિમાં સ્થિરતા પામે તો તે મતિજ્ઞાન કહેવાય. અત્યારે હું બોલી રહ્યો છું તે મારા મતિજ્ઞાનપૂર્વક બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો તે તમારા માટે શ્રુતજ્ઞાન છે.
પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; ત્રીજું અવધિજ્ઞાન અને ચોથું મન:પર્યવજ્ઞાન છે. આ બન્ને જ્ઞાન આત્મા પોતે પોતાની રીતે કરતો હોય છે તેમાં મન તથા ઈન્દ્રિયોની જરૂર હોતી નથી. મન:પર્યવજ્ઞાન છે એ જેને ઉત્પન્ન થાય છે એ પોતાના મનના પર્યાયને જાણે અને બીજાના મનના પર્યાયને પણ જાણે છે.
એટલે મૂળ તો મતિ, શ્રુત અને મનઃપર્યવજ્ઞાન એક છે, પરંતુ મનઃપર્યવમાં અનુમાન વિના મતિની નિર્મળતાએ શુદ્ધ જાણી શકાય છે.
ઉપર જે ત્રણે એક કહ્યા છે એ ત્રણે જ્ઞાન જ છે એ અપેક્ષાએ એક કહ્યા છે. મન:પર્યવજ્ઞાનમાં અનુમાન કરવાનું રહેતું નથી પરંતુ મતિની નિર્મળતા-શુદ્ધિથી આત્મા પોતે જ જાણે છે.
૫૪. મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે.
૫૫. મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મન:પર્યવ જ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી.
૫૬. મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મનઃપર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનઃપર્યવજ્ઞાન છે.
જ્ઞાન સાથે બુદ્ધિની નિર્મળતા થવી એટલે પ્રાજ્ઞપણાને પામવું તેને સંયમ કહ્યો. આપણી જે વૃત્તિઓ છે તે બર્હિમુખ છે, એ બહારના ભાવોમાં ફરે છે એને રોકવામાં આવે તો એ વૃત્તિઓ સંયમમાં આવે. જો એ વૃત્તિ સંયમમાં આવે તો બુદ્ધિ નિર્મળતાને પામે. એ નિર્મળતા થવાથી બીજાના મનની વાત જાણી શકાય અને એ જાણપણાને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org