________________
૫૦
સ્વાધ્યાય સુધા
સ્વતઃ એટલે બાહ્ય નિમિત્ત વગર. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જાણવા ઈચ્છે તો પણ જાણી ન શકે. કારણ કે મેળવેલું જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે કે જ્ઞાન-શક્તિ કુંઠિત થઈ જાય છે અથવા જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. પરતઃ એટલે સાપેક્ષ રૂપથી પુદ્ગલ અને પુલ પરિણામની અપેક્ષાથી ફળ પ્રાપ્ત થવું.
જ્ઞાનાવરણીય કર્મ જયારે ઉદયમાં આવે છે ત્યારે પાંચેય જ્ઞાનેન્દ્રિયો પોતાની શક્તિ ખોઈ નાખે છે. ત્યારે જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ બંધ થઈ જાય છે.
જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ :- જ્ઞાનના મુખ્ય પાંચભેદ છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આ દરેક જ્ઞાનને આવરણ કરનાર કર્મપ્રકૃતિને ઉત્તર કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. તેથી તેની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે.
(૧) મતિજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયો મારફત જે વસ્તુનો નિશ્ચિત બોધ થવો અને વસ્તુનું મનન કરવું તે મતિજ્ઞાન છે. અર્થાત્ જે બુદ્ધિને જડ અને કુંઠિત કરે છે તેને મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે. મતિજ્ઞાનનું બીજું નામ અભિનિબોધિક પણ છે. મતિજ્ઞાનાવરણીય કર્મ જેટલું તીવ્ર, મંદ અને મધ્યમ પ્રકારનું હશે, તેનો પ્રભાવ પણ એ પ્રકારે તીવ્ર મધ્યમ કે મંદ હશે. મતિજ્ઞાનાવરણીય કર્મ મંદ હોય તો તેની બુદ્ધિ સારી, તીવ્ર અને સ્પષ્ટ હશે. જો મતિજ્ઞાનાવરણીય કર્મ તીવ્ર ઉદયમાં હોય તો બુદ્ધિ મંદ હશે. જયારે મતિજ્ઞાનાવરણીય કર્મ મંદ થઈ જાય છે ત્યારે બુદ્ધિના ચમત્કાર જોવા મળે છે. તે બુદ્ધિને બીજબુદ્ધિ, પદાનુસારિણી બુદ્ધિ અને કોઇ બુદ્ધિ કહેવામાં આવે છે.
જેનામાં બીજ બુદ્ધિ હોય તે ત્રિપદી સાંભળીને ચૌદપૂર્વી બની જાય છે અને સમગ્ર બાર અંગની રચના કરી શકે છે. પદાનુસારિણી બુદ્ધિવાળા મહાપુરુષ એવા ગુરુના મુખેથી એક સૂત્ર કે પદ સાંભળે છે, તો બાકીના અનેક પદ તેની બુદ્ધિમાંથી સ્વયં પ્રગટ થઈ જાય છે. કોઇ બુદ્ધિવાળા મહાપુરુષ પાસેથી સૂત્રાર્થ જાણીને કે વાંચીને લાંબા કાળ સુધી સુરક્ષિત રાખી શકે છે.
જયારે કોઈ આપણી વાત સમજતો ન હોય તો ક્રોધ કરીને તેની સાથે તુચ્છ વ્યવહાર ન કરીએ, તે વ્યક્તિનો મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલી રહ્યો છે, તેમ જાણીને તેના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ.
મતિ જ્ઞાનાવરણીય કર્મબંધનું કારણ અને નિવારણ - મન અને ઈન્દ્રિયો દ્વારા પદાર્થોના પ્રતિ રાગદ્વેષ, મોહ-આસક્તિ કરવાથી, ઈન્દ્રિયોનો દુરુપયોગ કરવાથી અને અશુભ વિષયોમાં મનને પ્રવૃત્ત કરવાથી મતિજ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. જેના કારણે તે અજ્ઞાનના અંધકારમાં ભટક્યા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org