________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૬ આ વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ થાય છે કે સાંશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રામાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે.
જો આત્મા સાવધ ન રહે તો શંકા અતિચાર થયા પછી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા આત્માને (શ્રાવક કે સાધુને) સમ્યક્ત્વ મોહનીયનો ઉદય રહેલો હોવાથી તેના રસની વૃદ્ધિ થાય તો કોઇવાર સૂક્ષ્મ પદાર્થના વિષયમાં શંકા પેદા થઈ જાય અને તેથી શંકા અતિચાર લાગી જાય એ સંભવિત છે. પણ પછી તુરત તમેવ સઘં નિઃશવ = નિર્દિ પવે =“જિને કહેલું જ તત્ત્વ શંકા વિનાનું સાચું છે” એ આગમ વચનને યાદ કરીને એ શંકા દૂર કરવી જોઈએ. જો આ શંકા દૂર કરવામાં ન આવે તો તેમાંથી સાંશયિક મિથ્યાત્વ આવી જવાની પૂર્ણ સંભાવના છે.
પહેલા શંકા અતિચાર ઉત્પન્ન થાય, પછી સાવધ ન રહે તો જિનવચનની પ્રામાણિકતામાં સંશય ઉત્પન્ન થાય અને તેનાથી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થાય. શંકા અતિચાર ચોથા વગેરે ગુણસ્થાને હોય અને સાંશયિક મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને હોય. આમ શંકા અતિચાર અને સાંશયિક મિથ્યાત્વમાં ભેદ છે.
(૫) અનાભોગિક– અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યોગે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા (=શ્રદ્ધાનો અભાવ) તે અનાભોગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેંદ્રિય આદિને તથા કોઇપણ દર્શનને=ધર્મને ન સ્વીકારનાર સંજ્ઞી પંચેંદ્રિય જીવોને હોય છે.
અહીં અશ્રદ્ધાના બે અર્થ છે. (૧) વિપરીત શ્રદ્ધા અને (૨) શ્રદ્ધાનો અભાવ. તેમાં પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધારૂપ અશ્રદ્ધા છે. ચોથા મિથ્યાત્વમાં મિશ્રભાવ છે, એટલે કે શ્રદ્ધાનો બિલકુલ અભાવ નથી, તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી. આમાં વિપરીત શ્રદ્ધાનો બિલકુલ અભાવ છે. પાંચમા મિથ્યાત્વમાં શ્રદ્ધાના અભાવરૂપ મિથ્યાત્વ છે.
(૨) અવિરતિ– વિરતિનો અભાવ તે અવિરતિ. હિંસા આદિ પાપોથી પ્રતિજ્ઞાપૂર્વકની નિવૃત્તિ એ વિરતિ છે. આથી હિંસા આદિ પાપોથી પ્રતિજ્ઞાપૂર્વકની અનિવૃત્તિ એ અવિરતિ છે.