________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૫ પ્રત્યે અશ્રદ્ધા તે અનાભિગ્રહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે.
(૩) આભિનિવેશિક– અભિનિવેશ એટલે કદાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિદ્ધાંત વિશે અભિનિવેશ=પકડ અહંકારના પ્રતાપે છે.
યદ્યપિ અભિગ્રહ અને અભિનિવેશ એ બેનો અર્થ પકડ છે. એટલે શબ્દાર્થની દૃષ્ટિએ બંનેનો અર્થ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જયારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં “મારું માનેલું મારું કહેવું હું કેમ ફેરવું ?” ઇત્યાદિ અહંકારના પ્રતાપે પોતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. બીજું, આભિગ્રહિકમાં સર્વ તત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હોય છે, જ્યારે આભિનિવેશિકમાં કોઈ એકાદ તત્ત્વ વિશે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કોઈ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને હોય છે. જેમ કે જમાલિ.
(૪) સાંશયિક- શ્રી સર્વજ્ઞદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં શ્રીસર્વજ્ઞદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. શ્રીસર્વજ્ઞદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ ન હોવાના કારણે તેમના વચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે અને તેથી તેમણે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા થાય છે.
સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદપ્રશ્ન- સશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શો ભેદ છે?
ઉત્તર– શ્રી સર્વજ્ઞ દેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ ? એવી શંકા સાંશયિક મિથ્યાત્વ છે. પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ ઈત્યાદિ શંકા તે શંકા અતિચાર છે.