________________
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
કવિની નગર વર્ણન શક્તિનાં દર્શન થાય છે. કવિ મધ્યકાલીન પરંપરાને અનુસર્યા છે. કવિ નયસુંદર અને કવિ સમયસુંદરના કાવ્યોમાં આવી જ પદ્ધતિના વર્ણનો ઉપલબ્ધ થાય છે.
આવી ખંભાત નગરી રાધિકોને પણ અતિ પ્રિય હતી કારણકે અધ્યાત્મ પ્રેમી એવા ખંભાત નિવાસીઓએ ૪૨ જેટલા જૈન ઉપાશ્રયોનું નિર્માણ કર્યું હોવાથી નિત્ય જૈનમુનિઓનો આવાસ રહેતો, જેથી તેઓ નિત્ય સંત સમાગમ કરી શકતા હતા. તેઓ નિત્ય જિનવાણીનું શ્રવણ કરતા. ખંભાત નગરીમાં સુજ્ઞ શ્રાવકો રહેતા હોવાથી આ સ્થળ મુનિ ભગવંતોને રહેવા માટેનું શાતાકારી સ્થળ હતું. આ નગરીમાંથી મુનિઓને સંયમ નિર્વાહ માટે પ્રાસુક-દોષરહિત ગોચરી મળવી પણ સુલભ હતી. સાધુ ભગવંતો સંયમની સુરક્ષા માટે ખંભાત નગરીમાં રહેવાનું વધુ પસંદ કરતા હતા.
અહીંના લોકો સ્વાદિષ્ટ અને પૌષ્ટીક આહાર લેતા હતા. તેઓ નજીકમાંથી શાકભાજી વગેરે ખરીદતા હતા. ઉપાશ્રય, જિનમંદિર અને દુકાન (પેઢી) વચ્ચે બહુ અંતર ન હોવાથી તેઓ નિત્ય જિનવાણીનું શ્રવણ કરતા હતા. તેથી સ્પષ્ટ થાય છે કે ખંભાતના શ્રાવકો જેમ ધાર્મિક ક્ષેત્રે કુશળ હતા તેમ વ્યવહારના ક્ષેત્રે પણ કુશળ હતા. ખંભાતવાસીઓ સાદું અને સાત્વિક ભોજન કરતા, જેથી મુનિ ભગવંતોને નિર્દોષ ભોજન મળવું સુલભ બનતું.
હીરવિજયસૂરિ રાસ', કવિની શ્રેષ્ઠ અને ઉત્તમ રાસકતિ છે. જેમાંથી ખૂટતી ઐતિહાસિક કડીઓ પ્રાપ્ત થાય છે. કવિ આ રાસકૃતિમાં કહે છે, “આવા ધર્મિષ્ઠ શ્રાવકોની પ્રશંસા સંતો અને મહંતો કરે છે. આ શ્રાવકો ધર્મકરણી કરવામાં કુશળ છે. તેઓ નિત્ય પ્રતિક્રમણ અને પૂજા કરી પુણ્ય ઉપાર્જન કરે છે. તેઓ બીજ, પાંચમ, આઠમ, ચૌદસ આદિ પર્વતિથિએ વિશેષ ધર્મ આરાધના રૂપે પૌષધવત આદિ કરે છે. અહીંના શ્રાવકો જીવદયા પ્રેમી છે. તેઓ પશુ-પંખીઓને છોડાવે છે. તેઓ પશુઓ અને માંદાઓની માવજત કરે છે. સંતોના વ્યાખ્યાન પછી પ્રભાવના પણ કરે છે, તેમજ સ્વામીવાત્સલ્ય જેવા કાર્યક્રમો પણ કરે છે''.
આ પરથી સ્પષ્ટ થાય છે કે ખંભાતવાસીઓદાનવીર, ધર્મવીર અને કરુણાપ્રિય છે. કવિએ આજ રાસમાં ત્યાંના લોકોના પહેરવેશ વિષે પણ સુંદર માહિતી આપી છે.
ગુજરાતનું શ્રેષ્ઠ અને અમરાપુરી નગરી જેવું ખંભાત નગર શોભી રહ્યું છે. ગુજરાતના વિદ્વાનો કરતાં ખંભાતના વિદ્વાનો વિદ્વતામાં શ્રેષ્ઠ છે. અહીં જુદી જુદી અઢાર જ્ઞાતિના લોકો વસે છે. તેઓમાં વિવેક અને વિચારશક્તિ અપાર છે. તેઓ સંતદર્શન કરી પાવન થાય છે. તેઓ ધનવાન અને ગુણવાન છે. તે શ્રેષ્ઠી પુરુષો પટોળાં પહેરે છે. તેઓ ત્રણ આંગણ પહોળા સોનાના કંદોરા પહેરે છે, તેમજ રેશમના કંદોરા નીચે સોનાનાં માદળિયા મઢેલા હોય છે. તેઓ રૂપાના મૂડામાં કુચીઓ રાખે છે, ગળામાં સોનાની કંઠી પહેરે છે. ત્યાંના વણિકોદાનવીર છે. તેઓ ઝીણાં મુલાયમ અને કિંમતી અંગરખાં પહેરે છે. તેઓ કમરે નવ ગજ લાંબી અને સવા ગજી રેશમી ધોતી પહેરે છે. દરેક વ્યક્તિ માથે ચાર રૂપિયામાં મળતું ફાળિયું બાંધે છે, સાઠ રૂપિયાની પછેડી-પામરી પણ નાખે છે. કોઈ વ્યક્તિ સો રૂપિયાની રેશમી કભાય-અંગરખું પણ પહેરે છે. તેઓ હાથે બેરખાં અને ઘણી વીંટીઓ પહેરે છે. તેઓ જાણે સ્વર્ગના દેવો ન હોય તેવા લાગે છે. તેઓ પગે સુંવાળી મોજડી પહેરે છે, જે અતિ નાજુક અને શ્યામવર્ણી તેમજ મજબૂત છે. તેઓ સ્નાન કરી સુગંધી દ્રવ્યોનું વિલેપન કરે છે.