________________
* યુદ્ધતી ઘોષણા
ડોક્ટર બનવું, રોગીઓ પાસેથી અને સરકારી હોસ્પીટલોમાંથી પુષ્કળ પૈસા લેવાના... છતાં દવાઓ ન આપવી, રોગ વધારનારી દવાઓ આપવી, અંદરખાને ભ્રષ્ટાચાર ખેલવો... એ ઘણું જ ખરાબ છે. એના કરતા તો જે ડોક્ટર બનતો જ નથી, અથવા તો ડોક્ટર બન્યા પછી પણ જે પોતાની અશક્તિ જાણી લઈ ડોક્ટરનું કામ છોડી દે છે, એ વધુ સારો, કેમકે એ રોગીઓને કે હોસ્પિટલના વહીવટદારોને છેતરતો નથી.
લાખો વોટ મેળવી રાજકારણી બનવું, પણ પછી પ્રજા માટે કંઈ કામ ન કરવા, લાંચ - રૂશ્વત લઈ પ્રજાનું જ નિકંદન કાઢી નાંખવું.. આવા નેતા તો ઘણા ખરાબ. એના કરતા તો નેતા ન બનનારો કે નેતા બન્યા બાદ પ્રજાના કામો કરવાની પોતાની ફરજ ન નિભાવી શકવાને લીધે નેતૃત્વપદ છોડી દેનારો માણસ ઘણો સારો.
એવું જ આ ધર્મક્ષેત્રમાં છે.
જેણે દીક્ષા જ નથી લીધી, એવો સુશ્રાવક સારો, દીક્ષા લીધા બાદ દીક્ષાના આચારો પાળી શકાય તેમ ન લાગવાથી દીક્ષા છોડી પુન : સુશ્રાવક બનનારો સારો, પણ દીક્ષા લઈ, દીક્ષા જીવનના બધા લાભો ભોગવનાર, મુગ્ધોનાં વંદન - ગોચરી - પાણી લેનાર છતાં દીક્ષા જીવનને ઉચિત આચારો ન પાળનારો બિલકુલ સારો નહિ.
ધન્યાતિધન્ય તો એ મુમુક્ષુઓ છે, જેઓએ તાલીમ તો જોરદાર લીધી જ, મોક્ષેચ્છાને તીવ્રતમ બનાવી, મોહવિજયર્ને અંતિમ લક્ષ્ય બનાવ્યું, અને જાણે કે રજપૂતો કેસરિયા કરે, એમ અપાર ઉલ્લાસ સાથે જેઓએ માત્ર પ્રવ્રજ્યાનો સ્વીકાર જ ન કર્યો, પણ એ પળથી જ તે મહાત્માઓ મોહરાજ ઉપર અને એના સૈનિકો ઉપર,નિર્દય બનીને તૂટી
પડ્યા.
અનાસક્તિ એવી કેળવી કે સંયોજના વિનાની, રૂક્ષ-શુષ્ક ગોચરી પણ જાણે કે મનગમતી થઈ. નિર્વિકારિતા એવી કેળવી કે દૈવી સ્ત્રીઓના દર્શન પણ રૂંવાડેય વિકાર ન જગાવી શકે. અપ્રમત્તતા એવી કેળવી કે રાત્રે પાંચેક કલાકની ઊંઘ દરમ્યાન પડખું ફેરવતી વખતે પૂંજવા - પ્રમાર્જવાનું તો ચાલુ જ. નિઃસ્પૃહતા એવી કેળવી કે સામેથી શિષ્ય બનવા આવતા જીવોને પણ માત્ર ગુરુને જ સોંપી દીધા. અંતર્મુખતા એવી કેળવી કે કરોડોપતિ ભક્તો વંદનાદિ માટે આવે, તોય સ્વાધ્યાયમાંથી એક મિનિટ પણ એમની સાથે વાતો કરવામાં જેમને નીરસતા અનુભવાતી. ગુરુપારતન્ત્ય એવું કેળવ્યું કે ગુરુ લાફા મારે કે અન્યાય કરે કે પ્રતિકૂળ બને... ગુરુ પ્રત્યેના અગાધ બહુમાનની વજ્રની બનેલી દિવાલની એક કાંકરી પણ ન ખરે. વાત્સલ્યભાવ એવો કેળવ્યો કે મુનિમાત્રને જોઈને રૂંવાડે રૂંવાડે હર્ષ પ્રગટે.
અહોહો !
૨૧