________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૩૩ હોવાથી પરમાર્થથી દરિદ્ર જ છે. સંસારમાં ધન કમાવાની શક્તિ હોવા છતાં પોતાના કર્મનાશ કરવાને અનુકૂળ લેશ પણ શક્તિ નહિ હોવાથી ગુણસંપત્તિને પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતો. તત્ત્વને સ્પર્શે તેવા ભાવો નહીં હોવાથી આત્મારૂપી શરીર અતિ ક્ષીણ હતું અને સંસારી જીવને ધનાદિથી તૃપ્તિ થતી ન હતી. તેથી આત્મારૂપી શરીર અતિદુર્બલ થયેલ છે.
વળી તે ભિખારીને કોઈ સ્વામીની પ્રાપ્તિ ન હતી તેથી અનાથની જેમ સંસારમાં ભટકતો હતો તેમ જેને પરમાર્થથી સર્વજ્ઞરૂપી નાથે નથી મળ્યા તેઓ ક્યારેય પણ સંસારમાં સુરક્ષિત નથી તેમ ગ્રંથકારશ્રીનો જીવ પણ અનાથ હતો. વળી ધર્મની પ્રાપ્તિ પૂર્વે સદા આરંભ-સમારંભ કરીને સંસારી જીવ અતિપાપો બાંધે છે જેનાથી તેનું આત્મારૂપી શરીર અતિક્ષીણ શક્તિવાળું હતું. વળી સતત ખરાબ કર્મો બાંધીને આત્માના પારમાર્થિક દેહને ભિખારીની જેમ સંસારી જીવ પોતાનો વિનાશ કરતો હતો. વળી મહામોહની અનેક કર્થનાને પામતો પરમાર્થ દૃષ્ટિએ અત્યંત બીભત્સદર્શનવાળો હતો તેથી આખ પુરુષો તેને તેવી સ્થિતિમાં જોઈને કહે છે કે ખરેખર આ જીવનો મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ છે.
વળી, આ જીવ માત્ર બાહ્યપદાર્થો ઉપર જે પોતાના સુખદુઃખની કલ્પના કરનાર હોવાથી સતત તે બાહ્ય સામગ્રીના રક્ષણમાં જ અને તેના તેવા પ્રકારના સંયોગમાં ભય આદિ ભાવોથી વ્યાકુળ થાય છે માટે અત્યંત દીન છે. જ્યારે ભગવાનના વચનથી ભાવિત થયેલા જીવને તુચ્છ પદાર્થોના નાશનો તેવો ભય નથી જેવો ભય આત્મસમૃદ્ધિના નાશથી છે તેથી સતત અપ્રમાદથી તેનું રક્ષણ કરવા યત્ન કરે છે માટે તેવા મહાત્માઓ પ્રાયઃ દીનભાવને ધારણ કરતા નથી. પરંતુ ભગવાનના શાસનની અપ્રાપ્તિને કારણે સંસારી જીવ દીન છે. વળી ભિખારીની જેમ સુંદર ભવો કે અસુંદર ભવોને પામીને વિષયોને મેળવવા માટે જ સદા યત્ન કરે છે. પરંતુ આત્મસંપત્તિ માટે યત્ન કરતો નથી, તેનું કારણ ભગવાનના વચનના પરમાર્થનું અજ્ઞાન જ છે.
વળી, આયુષ્યરૂપી ઘટતા ઠીકરામાં તે ભિખારી વિષયોરૂપી કદન્ન ગ્રહણ કરે છે અને મહાત્માઓ ચારિત્રરૂપ મહાકલ્યાણને પ્રાપ્ત કરે છે, જેનાથી ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવો આયુષ્યરૂપી ઠીકરું લઈને દરેક ગતિમાં ભટકે છે અને માત્ર વિષયરૂપી કદન્નને જ ખાય છે, આ પ્રકારની સ્થિતિ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સર્વ જીવોની છે. ક્વચિત્ બાહ્યથી જૈન કુળમાં જન્મ્યા હોય તોપણ વિવેકચક્ષુ પ્રગટે નહિ ત્યાં સુધી માત્ર બાહ્યપદાર્થોમાં જ સુખ અને બાહ્યપદાર્થોથી જ દુઃખ દેખાય છે. તેથી દરેક ભવના આયુષ્યરૂપ ઠીકરાને ગ્રહણ કરીને વિષયોની ભીખ માંગતો સંસારી જીવ ફરી-ફરી આ સંસારમાં ભટકે છે.
ઉપનય :
ये तु तस्य द्रमकस्य दुर्दान्तडिम्भसंघाता यष्टिमुष्टिमहालोष्टप्रहारैः क्षणे क्षणे ताडयन्तः शरीरं जर्जरयन्तीति निदर्शितास्तेऽस्य जीवस्य कुविकल्पास्तत्संपादकाः कुतर्कग्रन्थास्तत्प्रणेतारो वा कुतीथिका विज्ञेयाः, ते हि यदा यदाऽमुंजीवं वराकं पश्यन्ति तदा तदा कुहेतुशतमुद्गरघातपातैरस्य तत्त्वाभिमुख्यरूपं शरीरं जर्जरयन्ति।