________________
૨૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
તે તે ભાવોથી પોતાનો આત્મા વાસિત થાય છે માટે વીતરાગભાવોથી વાસિત થયેલો આત્મા જ કલ્યાણનું કારણ છે અને અવીતરાગભાવોથી વાસિત થયેલો આત્મા જ પોતાના અકલ્યાણનું કારણ છે. આ પ્રકારે પોતાના આત્માને ત્રિકાલવર્તી સ્વીકારવારૂપ આસ્તિક્યની પરિણતિ જે સ્થિરતર થાય છે તે સમ્યક્તનું કાર્ય છે. તેથી જેમ અગ્નિના કાર્યરૂપ ધૂમથી અગ્નિનું અનુમાન થાય છે તેમ પોતાનામાં વર્તતા પ્રશમાદિ ભાવો દ્વારા સમ્યક્તનું અનુમાન થઈ શકે છે. સમ્યક્તને સ્થિર કરવા અર્થે મહાત્માઓ જગતના જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરે છે, જેથી સર્વજીવો સાથે ઉચિત પરિણામ કરવારૂપ સમભાવનો પરિણામ સ્થિર થાય છે. વળી, અધિક પુણ્યવાળા જીવોને જોઈને પ્રમોદભાવ કરે છે. જેથી ગુણવૃદ્ધિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે, જે સમ્યક્તની નિર્મળતાનું જ કારણ છે. કષાયોને પરવશ થઈને ક્લેશ પામતા જીવોને જોઈને કરુણા કરે છે, જેથી દયાળુચિત્ત સ્થિર-સ્થિરતર થાય છે. અયોગ્ય જીવને જોઈને પણ દ્વેષ કરતા નથી, પરંતુ તેઓ પ્રત્યે ઉપેક્ષાના ભાવરૂપ માધ્યચ્યભાવને ધારણ કરે છે. વળી, સમ્યક્તને જ દઢ કરવા અર્થે ધર્મસ્થાનોને સદા સેવવા યત્ન કરે છે, જે ભગવાનના આયતનની સેવા સ્વરૂપ છે અને તેનાથી તત્ત્વનો સૂક્ષ્મબોધ થાય છે. આથી જ કલ્યાણમિત્ર આદિનો યોગ કરે તે પણ ભગવદ્ આયતન સેવા રૂપ છે. વળી, જેણે સમ્યગ્દર્શન સ્વીકાર્યું છે તે મહાત્મા જાણે છે કે તીર્થકરોએ મોક્ષમાર્ગ બતાવેલ છે માટે તીર્થકરના વચનરૂપ આગમમાં મારે કુશળ થવું જોઈએ. તેથી સદા શક્તિઅનુસાર અપ્રમાદથી આગમને ભણવા યત્ન કરે છે, જેથી સર્વજ્ઞના વચનમાં કુશળતાને પ્રાપ્ત કરે છે, જે સમ્યગ્દર્શનને નિર્મળ-નિર્મળતર કરવાનું કારણ છે. વળી, સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી મહાત્મા હંમેશાં પરમગુરુ અને પરમગુરુના માર્ગ ઉપર ચાલનારાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની શક્તિ અનુસાર ઉચિત ભક્તિ કરે છે. જેનાથી, પરમગુરુના માર્ગ પ્રત્યે જ બહુમાનની વૃદ્ધિ થાય છે, જેનાથી સમ્યગ્દર્શન દીપે છે. વળી, સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તને અતિશય કરવા અર્થે મહાત્મા સદા અતિવિવેકપૂર્વક એવાં કૃત્યો કરે છે જેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. તે પ્રવચન પ્રભાવના છે. અનેક જીવોને માર્ગની પ્રાપ્તિ થાય તેવા શુભાશયથી કરાયેલી પ્રવચનની પ્રભાવના પોતાના સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે. વળી, નિશંકિતઆદિ સમ્યક્તના પાંચ આચારો છે, તેથી સમ્યક્ત સ્વીકાર્યા પછી સતત ભગવાનનું વચન જ એકાંતે કલ્યાણનું કારણ છે. ઇત્યાદિ ભાવન કરવું જોઈએ. અને ચિત્તમાં તત્ત્વવિષયક મૂઢતા ન રહે તે માટે સતત સૂક્ષ્મ તત્ત્વને અવલોકન કરવા યત્ન કરવો જોઈએ, જેથી સ્વઅનુભવ અનુસાર તત્ત્વ જે પ્રકારે ભગવાને કહ્યું છે, તે પ્રકારે જ સ્પષ્ટ-સ્પષ્ટતર પ્રતિભાસમાન થાય. અહીં પૂર્વમાં કહ્યું કે ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાન જ કરવું જોઈએ. તેથી ફલિત થયું કે સમ્યગ્દર્શનનું પ્રસ્તુતમાં વર્ણન કર્યું તેનું સ્વરૂપ યથાર્થ જાણીને વિધિપૂર્વક સમ્યગ્દર્શન ઉચ્ચરાવું જોઈએ જે સઅનુષ્ઠાનના સેવનની પ્રતિજ્ઞારૂપ છે અને તે સ્વીકાર્યા પછી પ્રતિદિન તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ વારંવાર ભાવન કરવું જોઈએ. તે સદ્અનુષ્ઠાનના સેવનરૂપ છે અને તે પ્રકારે યત્ન કરવાથી સ્વીકારતી વખતે સમ્યક્ત ભાવથી પ્રગટ ન થયું હોય તો પણ તે અનુષ્ઠાનના પ્રતિદિન સેવનથી પ્રગટ થાય છે. અને પ્રગટ થયેલું હોય તો નિર્મળ-નિર્મળતર થાય છે.