________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ઉપનયાર્થ:
૩૩૫
ઉપદેશનું દાન
તેથી=પ્રસ્તુત જીવે સર્બુદ્ધિ સ્વીકારવાનો કૃતનિશ્ચય બતાવ્યો તેથી, તેઓ=ગુરુ, તેને ઉપદેશ આપે છે. તે આ પ્રમાણે – હે સૌમ્ય ! અહીં=ભગવાનના પ્રવચનમાં, આ જ પરમ રહસ્ય છે જે તારા વડે સમ્યક્ અવધારણ કરવું જોઈએ. શું રહસ્ય છે ? તે‘યદ્યુત’થી બતાવે છે જે પ્રમાણે આ જીવ વિપર્યાસના વશથી=શરીરથી પોતે ભિન્ન હોવા છતાં શરીર હું છું, શરીરજન્ય સુખ એ સુખ છે તે પ્રકારના વિપર્યાસના વશથી, દુઃખાત્મક એવા ધનવિષય આદિમાં સુખનું અધ્યારોપણ કરે છે=ધનવિષયાદિ જીવને ઇચ્છા ઉત્પન્ન કરીને આકુળ કરાવે છે આકુળ થયેલા જીવ તેની પ્રાપ્તિ માટે તેના રક્ષણ માટે તે તે પ્રકારના યત્નો કરીને ક્લેશ પામે છે જેથી દુઃખાત્મક હોવા છતાં પણ ધનવિષયાદિની પ્રાપ્તિમાં જ મને સુખ થાય છે એ પ્રકારનો અધ્યારોપ કરે છે. સુખાત્મક વૈરાગ્ય-તપ-સંયમઆદિમાં દુઃખનો અધ્યારોપ કરે છે અર્થાત્ જીવતી નિરાકુળ અવસ્થાના સંવેદનરૂપ જ વિરક્તભાવ છે તેથી સુખાત્મક છે તપ પણ ઇચ્છાના શમનરૂપ હોવાથી અને ઇચ્છાના શમનને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી સુખાત્મક છે અને સંયમ પણ પાંચ ઈન્દ્રિયોની આકુળતાના અભાવરૂપ હોવાથી સુખાત્મક છે છતાં અનાદિના અભ્યાસને વશ વિષયોમાં સુખબુદ્ધિ હોવાથી સુખાત્મક એવા વૈરાગ્યાદિ ભાવોમાં જે પ્રકારનું સુખ છે તેનો પારમાર્થિક સ્પષ્ટબોધ નહીં હોવાથી અને ઇષ્ટ એવા વિષયોના ત્યાગાદિરૂપ હોવાથી દુઃખનો અધ્યારોપ આ જીવ કરે છે.
ત્યાં સુધી જ આ જીવને દુ:ખનો સંબંધ છે=વિષયોની પ્રાપ્તિ માટેની ઇચ્છા આદિજન્ય દુઃખોનો સંબંધ છે, જ્યારે વળી આ જીવ વડે વિદિત થાય છે=સૂક્ષ્મ તત્ત્વ જણાય છે. શું વિદિત થાય છે ? એ સ્પષ્ટ કરે છે. વિષયોમાં પ્રવૃત્તિ દુઃખ છે=વિષયોને જોઈને ઇચ્છા થાય છે તે દુઃખ છે. તેના માટે શ્રમ છે તે દુઃખ છે વિષયોની પ્રાપ્તિથી પણ વિષયોમાંથી સુખ આવતું નથી પરંતુ વિષયોની ઇચ્છાથી આકુળ થયેલો જીવ મેં વિષયો મેળવ્યા એ પ્રકારની બુદ્ધિથી ક્ષણભર તેને સુખનો અભિમાન માત્ર થાય છે. ધનાદિ આકાંક્ષાની નિવૃત્તિ સુખ છે–ધનની આકાંક્ષા, માનસન્માનની આકાંક્ષા, સાતાની આકાંક્ષા કે પોતાનાથી ભિન્ન એવી કોઈપણ પદાર્થ આકાંક્ષા તે સર્વની નિવૃત્તિ એ સુખ છે. આથી જ મહાત્માઓ તત્ત્વતા ભાવનથી અને શાસ્ત્રવચનના ભાવનથી સર્વપ્રકારની આકાંક્ષાની નિવૃત્તિ માટે જ યત્ન કરે છે. ત્યારે=પૂર્વમાં કહ્યું એ પ્રકારે બોધ જ્યારે એ જીવને પ્રાપ્ત થાય છે ત્યારે, અશેષ ઇચ્છાના વિચ્છેદથી અર્થાત્ ઇચ્છા દુઃખરૂપ જણાવાથી, અને ઇચ્છાની નિવૃત્તિ સુખરૂપ જણાવાથી સુખનો અર્થી એવો જીવ તત્ત્વના ભાવન દ્વારા અશેષ ઇચ્છાનો વિચ્છેદ કરે છે તેનાથી નિરાકુલપણું હોવાને કારણે=જેમ જેમ ઇચ્છા ક્ષીણ-ક્ષીણતર થાય છે તેમ તેમ અનિચ્છા થવાથી નિરાકુલપણું હોવાને કારણે, સ્વાભાવિક સુખનો આવિર્ભાવ થવાથી=આત્માની સ્વસ્થ અવસ્થારૂપ સુખનો આવિર્ભાવ થવાથી આ જીવને સતત આનંદ થાય છે.