________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૭૭
ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કથા બતાવી ત્યાં તે ભિખારી ભીખ અર્થે ફરતો કોઈક રીતે તે સર્વજ્ઞના શાસનરૂપી મંદિરદ્વારને પ્રાપ્ત થયો. અને સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે તે જીવને રાજભવનમાં પ્રવેશ કરાવાયો એમ કહેવાયું તેથી એ પ્રાપ્ત થાય કે આ જીવ અનાદિકાળથી સંસારમાં ભટકતાં ભટકતાં યથાપ્રવૃત્તિકરણ નામના પરિણામથી સાત કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ કરે છે. ત્યારે ધર્મ કરવાને અભિમુખ વિવેક વગરનો પણ ભાવ થાય છે તેથી તે જીવ ક્યારેક સંસારના આશયથી, ક્યારેક માનસન્માનના આશયથી કે કોઈક અન્ય આશયથી ધર્મની અન્ય પ્રવૃત્તિ કરે છે. તોપણ ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે સમર્થ થતો નથી; કેમ કે ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરાવવામાં રાગ-દ્વેષ અને મોહનો પરિણામ બાધક છે અને જે વખતે જીવોને બાહ્ય પદાર્થોમાં જ સુખબુદ્ધિ વર્તે છે. તેઓને તે સુખના પ્રાપ્તિના ઉપાયરૂપે ધનઅર્જનાદિ દેખાય છે તેમ ગ્રંથિદેશમાં આવે છે ત્યારે ધર્મકૃત્યો પણ સુખના ઉપાયરૂપે દેખાય છે. તેથી ધર્મ કરીને પણ તેઓ બાહ્ય પદાર્થો વિષયક રાગભાવની જ પુષ્ટિ કરે છે. આ રીતે અનંતી વખત સંસારી જીવ ક્યારે ક્યારે તે જિનમંદિરમાં પ્રવેશ પામે છે. તોપણ રાગ-દ્વેષ-મોહ નામના દ્વારપાળો તેઓને ભાવથી પ્રવેશ કરવા દેતા નથી. પરંતુ જ્યારે જીવમાં કંઈક કર્મની વિશેષ લઘુતા થાય છે ત્યારે તેને તત્ત્વને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે. જે દર્શનમોહનયના ક્ષયોપશમના પરિણામ રૂપ છે અને તે ક્ષયોપશમભાવ હોવાથી કર્મના વિવર સ્વરૂપ છે. તેથી તે કર્મવિવર નામના દ્વારપાળે તે જીવને ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરાવ્યો એમ કહેવાય છે. અને જ્યારે જીવ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામે છે ત્યારે વીતરાગનું જેવું વીતરાગસ્વરૂપ છે, તેવું જ સ્વરૂપ જીવની સુંદર અવસ્થારૂપ છે તેવો બોધ થાય છે. તેથી ભગવાનના શાસનની દરેક પ્રવૃત્તિઓ કઈ રીતે વીતરાગતા સાથે પરમાર્થથી જોડાયેલી છે તે સ્વરૂપે જ તેને દેખાય છે અને જેઓ ભાવથી ભગવાનના શાસનમાં છે તેઓમાં વીતરાગતાને અનુકૂળ કેવા ઉત્તમભાવો છે તે સર્વ તે જીવને સ્પષ્ટ દેખાય છે. તેથી જેમ તે ભિખારીને તે રાજમંદિર અનેક પ્રકારની સમૃદ્ધિથી યુક્ત દેખાયું તેમ ભગવાનના શાસનને પામેલા જીવોને ભાવથી ભગવાનના શાસનમાં વર્તતા ઋષિઓ, મહર્ષિઓ, તીર્થકરો, દેવો વગેરેમાં કેવા ઉત્તમભાવો વર્તે છે, તે સર્વ દેખાય છે. અને તે ભાવોથી ભગવાનનું શાસન શોભાયમાન છે તેમ જણાય છે. અને જેઓ પોતાના કર્મના ક્ષયોપશમથી ભગવાનના શાસનમાં પ્રવેશ્યા નથી. પરંતુ રાગ-દ્વેષ-મોહરૂપી દ્વારપાળથી પ્રવેશ કરાવાયા છે તેઓને ભાવથી ભગવાનનું શાસન કેવું છે તે દેખાતું નથી. તેથી પરમાર્થથી તેઓ રાજમંદિરમાં પ્રવેશેલા નથી.
ઉપનય :
सर्वज्ञशासनस्य राजमन्दिरता यथा च तेन कथानकोक्तेन तद्राजभवनमदृष्टपूर्वमनन्तविभूतिसंपन्नं राजामात्यमहायोधनियुक्तकतलवर्गिकैरधिष्ठितं स्थविराजनसनाथं सुभटसंघाताकीर्णं विलसद्विलासिनीसार्थं निरुपचरितशब्दादिविषयोप