________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૮૩
નષ્ટપ્રાયઃ કરે છે. રાગાદિ શત્રુઓને ક્ષીણ શક્તિવાળા કરે છે. કર્મના સમૂહ રૂપ અજીર્ણને નષ્ટપ્રાયઃ કરે છે. જરાના વિકારો દૂર કરે છે; કેમ કે દેહને જરા પ્રાપ્ત થાય તોપણ તેઓનું ચિત્ત તત્ત્વથી વાસિત હોવાને કારણે અધિક-અધિક યૌવન અવસ્થાને જ પ્રાપ્ત કરે છે. વળી, તેઓને મૃત્યુનો પણ ભય નથી; કેમ કે તત્ત્વને પામેલા ભગવાનના શાસનમાં રહેલા જીવોને મૃત્યુ વિશેષ પ્રકારના ઉત્તમભવની પ્રાપ્તિનું કારણ બને છે તેથી તેઓને માટે મૃત્યુ પણ ઉત્સવરૂપ છે. વળી, દેવલોકનાં અને મોક્ષનાં સુખો તેઓએ હાથમાં જ પ્રાપ્ત કર્યા છે; કેમ કે કર્મનાશને માટે ઉચિત ઉપાયની પ્રાપ્તિ થયેલી હોવાથી ધીરતાપૂર્વક સ્વશક્તિ અનુસાર કર્મનાશ માટે તેઓ ઉદ્યમ કરે છે તેથી આ ભવમાં સંપૂર્ણ કર્મનો નાશ ન કરી શકે તોપણ ઉત્તરના ભવમાં ઉત્તમ દેવભવને પામશે, ત્યાં પણ કર્મનાશને અનુકૂળ બળનો સંચય કરશે. વળી, વર્તમાનના મનુષ્યભવ કરતાં પણ શ્રેષ્ઠ મનુષ્યભવને પામીને વિશેષ પ્રકારનાં કર્મોનો નાશ કરશે. તેથી તેઓને માટે દેવલોકનાં અને મોક્ષનાં સુખો હાથમાં પ્રાપ્ત થયેલાં જેવા જ છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા જીવોએ સાંસારિક વિકારજન્ય સુખોને હેયબુદ્ધિથી જોનારા છે અને સમસ્ત ભવપ્રપચ તેમને અત્યંત ત્યાજ્ય દેખાય છે. મોક્ષને અભિમુખ એકતાનવાળું તેઓનું ચિત્ત છે. તેથી તેઓને સુનિશ્ચિત નિર્ણય છે કે અલ્પભવોમાં આપણે મોક્ષને પામશું, કેમ કે સંસારમાં સર્વત્ર ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. તેથી પોતે અપ્રમાદભાવથી મોક્ષના ઉપાયો સેવે છે, માટે અવશ્ય તેનાથી પ્રાપ્તવ્ય એવો મોક્ષ પણ પ્રાપ્ત થશે. આથી તેઓને સ્થિર નિર્ણય છે કે મોક્ષથી અન્ય કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તવ્ય વસ્તુ નથી. અને પોતાને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થશે તેથી પરિપૂર્ણ મનોરથવાળું તેઓનું ચિત્ત વર્તે છે, તેથી ભગવાનના શાસનમાં રહેલા જીવોને પ્રતિકૂળ સંયોગમાં પણ શોક થતો નથી. પરંતુ ઉચિત ઉપાય દ્વારા મોહનાશને અનુકૂળ પ્રયત્ન કરવાનો ઉત્સાહ થાય છે વળી દીનતા આવતી નથી પરંતુ રત્નચિંતામણિથી અધિક યોગમાર્ગ પોતાને પ્રાપ્ત થયો છે તેથી ઉત્સાહથી જ કર્મનાશ માટે યત્ન કરે છે. વળી, તેઓને બાહ્યપદાર્થો વિષયક ઔસુક્ય થતું નથી. પરંતુ સતત મોહનાશના ઉચિત ઉપાયોનો પ્રયત્ન કરવાનો ઉત્સાહ થાય છે. રતિના વિકારો દૂર થાય છે. અને આત્માની સ્વસ્થતામાં જ રતિનો અનુભવ થાય છે. બાહ્યપદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી. પરંતુ પોતાના મલિન ભાવો પ્રત્યે જુગુપ્સા થાય છે. ચિત્તમાં ઉદ્વેગ થતો નથી. પરંતુ તત્ત્વને જાણ્યા પછી પણ ક્યારેક પ્રમાદ થાય ત્યારે ક્ષણભર વિચાર આવે છે કે હું વિરાધક છું અને તેમ વિચાર કરીને અપ્રમાદની જ વૃદ્ધિ કરે છે. બાહ્યપદાર્થોની તૃષ્ણા દૂર થાય છે કેવળ ગુણવૃદ્ધિની જ તૃષ્ણા થાય છે. વળી, બાહ્યનિમિત્તોથી ક્યારેય ત્રાસ પામતો નથી. પરંતુ સતત અંતરંગ શત્રુને નાશ કરવા માટે જ ઉદ્યમ કરે છે. ચિત્તમાં હંમેશાં ધીરતા વર્તે છે. તેથી ભગવાનના શાસનને પામીને ધૈર્યપૂર્વક ઉચિત અનુષ્ઠાનો સેવે છે જેથી કર્મની શક્તિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. ગંભીરતાને કેળવે છે કે જેથી પોતાના ચિત્તના સૂક્ષ્મભાવોનું સદા અવલોકન કરીને પિતાનુકૂલ યત્ન કરે છે. વળી, પ્રકૃતિ અત્યંત ઉદાર બને છે જેથી કોઈ જીવનું અહિત થાય તેવો યત્ન સ્વપ્નમાં પણ કરતા નથી. વળી, તેઓને સ્થિર વિશ્વાસ છે કે અવશ્ય આ સંસારનો ઉચ્છેદ પોતે કરી શકશે. વળી, તેઓને કષાયોના ઉપશમજન્ય સુખ વધે છે તેથી ચિત્ત હંમેશાં આનંદિત હોય છે. વળી, રાગાદિ અલ્પ થયેલા હોવા છતાં આત્માની નિરાકુલ અવસ્થામાં રતિનો પ્રકર્ષ વર્તે છે. રોગ અત્યંત શાંત થવાને કારણે ચિત્તમાં હર્ષ વધે છે. આ પ્રકારના સર્વ ભાવો ભગવાનના શાસનમાં રહેલા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત એવા મુનિઓને વર્તે છે