________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧)
હે નાથ, આ સંસારમાં વસતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો છતાં તેમાં મને લેશમાત્ર પણ સુખની પ્રાપ્તિ થઈ નથી. ઊલટું હું અપાર દુઃખ જ પામ્યો છું.
સ્વશુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ જે વીતરાગ પરમાનંદ સમરસી ભાવરૂપ સુખામૃત-આત્મસુખ છે, તે સુખથી વિપરીત એવાં નરકાદિનાં દુ:ખરૂપ ખારાં પાણીથી જે પૂર્ણ છે, અજરઅમર એવા આત્મપદથી વિરુદ્ધ જન્મ જરા મરણરૂપ જળ જંતુઓથી જે વ્યાપ્ત છે, અનાકૂળતા લક્ષણવાળા મોક્ષસુખથી પ્રતિકૂળ એવા આધિ-વ્યાધિ ઈત્યાદિ દુ:ખરૂપી વડવાનલ જ્યાં બળ્યા કરે છે તથા વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી જે રહિત છે તથા જેમાં અનેક જાતનાં સંકલ્પ-વિકલ્પ મોજાં આવ્યા કરે છે, એવા આ સંસારરૂપી સાગરમાં હું સ્વામી, પરિભ્રમણ કરતાં મારો અનંત કાળ વ્યતીત થઈ ગયો છે.
આ સંસારમાં એકંદ્રિયપણામાંથી બે ઇંદ્રિયપણું પામવું દુર્લભ છે, તેમાંથી ત્રણ ઈદ્રિયપણું એમ ઉત્તરોત્તર ઇંદ્રિયોની પ્રાપ્તિ થવી કઠિન છે. પાંચે ઈદ્રિયોની પ્રાપ્તિ હોવા છતાં સમનસ્કપણું-એટલે મનસહિત અવસ્થા દુર્લભ છે. તે મળ્યા છતાં મનુષ્યભવ પામવો સુલભ નથી. મનુષ્યભવમાં આર્યક્ષેત્રની પ્રાતિ દુર્લભ છે, તેમાં ઉત્તમ કુળમાં જન્મ, દીર્ધાયુષ્ય, બળવાનપણું, નીરોગ શરીર તથા વીતરાગ ધર્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે. કદાચ પૂર્વના પુણ્યોદયથી જીવને ઉપર કહેલી સર્વ સામગ્રીની યોગ થાય તોપણ ઉત્તમ બુદ્ધિ, ધર્મશ્રવણ, તેનું ગ્રહણ, ધારણ, શ્રદ્ધા, સંયમ, વિષયોથી નિવર્તવું અને ક્રોધાદિ કષાયોનો અભાવ થવો અત્યંત દુર્લભ છે. એમાં સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્મભાવનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ છે, કારણ કે આત્મ-સમાધિના શત્રુઓ એવા મિથ્યાત્વ વિષય કષાય વિભાવ આદિ પરિણામોની જ્યાંત્યાં પ્રબળતા દેખાય છે. મિથ્યાત્વ આદિ કારણોને લીધે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સંસારઅટવીમાં ભ્રમણ કરતાં જીવને બોધિ-સમાધિની યોગ્યતા આવવી દુર્લભ છે. આજ સુધી કદી પ્રાપ્ત થયાં નથી એવાં સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે અને તેને પરભવમાં નિર્વિઘ્નપણે સાથે લઈ જવાં તે સમાધિ કહેવાય છે.
અતિશય દુર્લભ એવી બોધિ તથા સમાધિને પામીને પણ જો મનુષ્ય પ્રમાદી થાય તો તે બિચારો સંસારરૂપી ભયાનક વનમાં ઘણા કાળ સુધી પરિભ્રમણ કરે છે. હે સ્વામી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી હું અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. તેમાં મેં અનેક પ્રકારનાં શારીરિક તથા માનસિક ચતુર્ગતિજન્ય દુઃખ સહન કર્યા છે, પણ કોઈ સમયે મને વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતની જરાય પ્રાપ્તિ થઈ નથી. ૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com