________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ નાકે નીકલ્યો શ્વાસ જ્યાં, સમાધિમાં લય થાય;
ત્યાં તૂટે ઝટ મોહ ને, ચિત્ત અસ્ત થઈ જાય. ૧૬૨
નાકથી નીકળેલો શ્વાસ જ્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર-લીન થઈ જાય છે, ત્યાં મોહ શીધ્ર નાશ પામે છે અને મન સ્થિર થઈ જાય છે.
જ્યારે આ જીવ રાગાદિ પરભાવરહિત એવી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થાય છે ત્યારે આ ઉચ્છવાસરૂપ વાયુ નાકનાં બન્ને છિદ્રોને તજી પોતાની મેળે અવાંચ્છકવૃત્તિથી તાળ પ્રદેશમાં જે વાળના અષ્ટમાંશ પ્રમાણવાળું છિદ્ર છે ત્યાં ક્ષણમાત્ર રહીને દશમ દ્વારમાંથી નીકળે છે પછી નાસિકામાંથી નીકળે છે, ત્યાર પછી તાળુના છિદ્રમાંથી નીકળે છે.
વાયુધારણા ઇચ્છાપૂર્વક થાય છે, તેથી અત્રે પરકલ્પિત વાયુ ધારણારૂપ થાસોચ્છવાસના નાશનું ગ્રહણ નથી. વાયુધારણા ઇચ્છાપૂર્વક થાય છે અને ઇચ્છા મોહના વિકલ્પરૂપ છે, સંયમીને વાયુનો નિરોધ ઇચ્છાપૂર્વક થતો નથી, પણ સ્વાભાવિકપણે થાય છે.
કુંભક, પૂરક અને રેચક આદિ પ્રાણાયામનું નામ વાયુધારણા છે, એ ક્ષણમાત્ર છે, પરંતુ અભ્યાસથી અધિક સમય સુધી પણ રહી શકે છે. વાયુધારણાનું ફળ શરીરની આરોગ્યતા આદિ છે. પણ એથી મુક્તિ થતી નથી, કારણકે વાયુધારણા શરીરનો ધર્મ છે, આત્માનો સ્વભાવ નથી. શુદ્ધોપયોગીઓનું મન સહજે વશમાં થાય છે અને શ્વાસ પણ સ્થિર બને છે. શુભોપયોગીઓ મનને સ્થિર કરવા પ્રાણાયામનો અભ્યાસ કરે છે. મન સ્થિર થયા પછી પ્રાણાયામનું કંઈ પણ પ્રયોજન નથી. આત્મસ્વરૂપ કેવલજ્ઞાન દર્શનમય છે. અને શુદ્ધોપયોગીઓ તે આત્મસ્વરૂપમાં એકાગ્ર છે. શુભોપયોગીઓનું મન ચંચળ હોય છે તેથી તેઓ તેને વશ કરવા શ્રી પંચપરમેષ્ઠીનું ધ્યાન-સ્મરણ આદિ કરે છે તથા કારાદિ મંત્રાક્ષરનું ધ્યાન કરે છે. પ્રાણાયામથી મનને વશ કરી આત્મસ્વરૂપમાં જ જોડે છે. શુભોપયોગીઓનું લક્ષ્ય પણ શુદ્ધોપયોગ જ છે, માત્ર વાયુધારણા નથી. જો વાયુધારણાથી મોક્ષ થતો હોય તો આજે પણ વાયુધારણા કરનારાઓનો મોક્ષ થાય. પણ આજે મોક્ષ નથી. મોક્ષ કેવળ આત્મસ્વરૂપમય છે. ૧૬૨
પરમ સમાધિનું કથન કરે છે
मोहु विलिज्जइ मणु मरइ तुट्टइ सासु-णिसासु। केवल-णाणु वि परिणमइ अंबरि जाहँ णिवासु।। १६३।। मोहो विलीयते मनो म्रियते त्रुट्यति श्वासोच्छवासः। केवलज्ञानमपि परिणमति अम्बरे येषां निवासः।। १६३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com