________________
પ્રકરણ ૧૪ સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
અનહદ ધ્વનિથી શરૂ કરી, ૐ ધ્વનિમાં ગુંજન કરી, ૐ નાદથી આખા લોકમાં આજ્ઞારૂપી ધર્મ અને તપનો સંદેશો ફેલાવનાર શ્રી અરિહંતાદિ પંચપરમેષ્ટિ ભગવંતને અત્યંત વિનમ્રભાવે, ભક્તિભાવ સહિત, સાષ્ટાંગ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.
“પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે.” (સૂયગડાંગ સૂત્ર – વીર્ય અધ્યયન વચનામૃત આંક ૪૮૬).
આત્મસ્વરૂપની ઉન્નતિમાં ઉદ્યમ ન કરવો, તેને શ્રી તીર્થંકર પ્રભુ પ્રમાદ તરીકે ઓળખાવે છે, અને તેથી ઊલટું આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેના પુરુષાર્થને શ્રી પ્રભુ અપ્રમાદ તરીકે ગણાવે છે.
પ્રમાદથી જીવ આત્માની શાંતિ ગુમાવે છે, પોતાનાં સ્વરૂપનું ભાન ગુમાવે છે; પરપદાર્થમાં મોહ કરે છે, પરપદાર્થને મેળવવાની અને ભોગવવાની પ્રવૃત્તિ કરે છે; પરિણામે સંસારની ચારે ગતિઓમાં સતત પરિભ્રમણ કર્યા કરે છે; શાતા અશાતાનું વેદન કર્યા કરે છે. જીવ ઘાંચીના બળદની માફક સતત ફરતો રહેતો હોવા છતાં કોઈ પ્રકારની સિદ્ધિ મેળવી શકતો નથી. તે પોતાનાં શુભાશુભ ભાવ અને કર્મ અનુસાર એકથી પાંચ ઇન્દ્રિયવાળી ઊંચી કે નીચી ગતિમાં લોકમાં ભમ્યા કરે છે.
આવી કેટલીયે પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં જીવે કેવાં કેવાં કષ્ટો અનુભવ્યાં છે તેનો સ્પષ્ટ ચિતાર શ્રી ગૌતમ સ્વામીને આપી, સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ તેમને બોધે છે કે, “સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી.” શ્રી ઉત્તરાધ્યયનના દશમા