________________
સાધવાનો પ્રયાસ કર્યો છે. પાતંજલ યોગ અને જૈન યોગના તુલનાત્મક અધ્યયન માટે આ વૃત્તિ માર્ગદર્શક છે.
(૪) જૈન યોગનો ચતુર્થ યુગ : ઉપાધ્યાય યશોવિજયજીથી આજ સુધી (અઢારમી શતાબ્દી પછી)
અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીના સમકાલીન અધ્યાત્મયોગી કવિ આનંદઘનજી મહારાજે ૨૨/૨૪ તીર્થંકરનાં સ્તવનો અને ૧૦૮ પદોની રચના કરી. આ સ્તવનો અને પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં છે. અધ્યાત્મનો સાર તેમાં ભરેલો છે. આમાંથી ઘણાં પદોમાં જેવાં કે “મહારો બાલુડો સંન્યાસી, આતમ અનુભવ રીત વરીરી; સમકિત દોરી શીલ લંગોટી, અવધુ રામ રામ જગ ગાવે...' આદિ પદોમાં એમણે યોગસાધનાનો માર્ગ બતાવ્યો છે. વીસમી શતાબ્દીમાં યોગી મુનિરાજ કપૂરવિજયજી ઉર્ફે ચિદાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ થઈ ગયા. એમણે લખેલ સાહિત્યમાં આપણને યોગ જોવા મળે છે. ચિદાનંદજીએ લખેલ ‘ચિદાનંદ બહતરીનાં કેટલાક પદોમાં જ્ઞાન, ધ્યાન અને યોગના વિષયને વણી લીધો છે. ચિદાનંદજી અધ્યાત્મયોગી કવિ હતા. તેઓ અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા અને યોગશાસ્ત્રમાં પારંગત અને ઉત્તમ સાધક હતા. બહોંતરીનાં અમુક પદોમાં યોગના અને ધ્યાનના વિષયનું નિરૂપણ કરીને આત્મસ્વરૂપની અનુભૂતિ વર્ણવી છે. આજ સદીમાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રનું બધું જ સાહિત્ય આત્મલક્ષી છે. એમના “વચનામૃત'માં ‘યોગ” અને “ધ્યાન વિશે ઘણું વિવરણ મળી આવે છે. એમની બીજી કૃતિઓ જેવી કે “આત્મસિદ્ધિ', અપૂર્વ અવસર’ એમાં તેમણે યોગને ગૂંથી લીધો છે. ‘ભાવનાબોધ'માં બાર ભાવનાઓનું વર્ણન છે. જ્યારે એમના કાવ્ય “મૂળ મારગમાં સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી મોક્ષમાર્ગ વર્ણવેલો છે.
એના પછી આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ યોગસાધનાની ક્રિયા સામાન્ય જનમાં પ્રચલિત થાય એ માટે યોગનો મહિમા વર્ણવતી સંસ્કૃતમાં બે કૃતિઓ – ‘યોગદીપક’ અને ‘કર્મયોગ” લખી. અને આ બન્ને સંસ્કૃત ગ્રંથોનું વિવેચન સાદી ભાષામાં પોતાની આગવી શૈલીથી કર્યું જેથી સામાન્ય માણસ પણ યોગસાધના કરી આત્મકલ્યાણ સાધી શકે.
( જૈન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
૨૫