________________
ઉપસંહાર
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈનદર્શન પરમ આસ્તિકમોસેકલક્ષી છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ એ જ યોગ છે. મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે. નિમિત્ત હેતુ તો ગૌણ કહેવાય છે. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. મોક્ષ પ્રાપ્યાર્થે યોગમાર્ગ છે. મોક્ષ એ જ સર્વ દર્શનોનું નિશ્ચિત સાધ્ય-ધ્યેય છે. તેના સાધનરૂપ આ યોગમાર્ગ પણ એક જ છે. અને તે શમપરાયણ-શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું, સમભાવ-સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી એ જ શમ છે. પરભાવ-વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું તે જ શમનિષ્ઠ માર્ગ, મોક્ષમાર્ગ છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ શુદ્ધ રત્નત્રયરૂપ છે અને એ જ જૈન યોગ છે. આની સાધના કરીને અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને તેમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે.