Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 342
________________ નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ રત્નત્રય અર્થાત્ નિશ્ચય સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચ્ચારિત્રને જ મોક્ષમાર્ગ, યોગમાર્ગ કહે છે. જ્યારે વ્યવહાર રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવાની ના પાડે છે. જ્યાં સુધી જીવને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી. પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય, સર્વ આગમોનો અભ્યાસી હોય પણ જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન - શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શક્યું નથી. વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ તો નિશ્ચય દર્શન, જ્ઞાન, ચારિત્ર જ છે. દેહની ક્રિયામાં કે પંચમહાવ્રતના વિકલ્પમાં ચારિત્ર નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક નિજ પરમાત્મતત્વમાં રમણતા કરવી તે જે નિશ્ચય ચારિત્ર છે, સમ્યગ્વારિત્ર છે. આ દેહ છે તે આત્માથી પૃથક છે, પર છે અને દેહાદિ પરના આશ્રયે થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે. આત્મ પરિણામ નથી. આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ તે મોક્ષ છે અને તેનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મપરિણામ છે જે આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહીં. આવી રીતે અહીં યોગ અર્થાત્ મોક્ષમાર્ગના નિરૂપણમાં શ્વેતાંબર અને દિગંબર આચાર્યોમાં મતભેદ જોવા મળે છે. પરંતુ નિશ્ચય મોક્ષમાર્ગમાં પહોંચવા માટે વ્યવહાર મોક્ષમાર્ગનું આલંબન જરૂરી છે અને તેથી જ ક્રિયા આદિ અનુષ્ઠાનોનું મહત્વ છે. આવી રીતે અર્થઘટન કરતા આ મતભેદનું નિરાકરણ થઈ શકે છે. ઉપસંહાર ૩૧૩

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347