________________
અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવક્રિયા. આ બંનેનો સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. જ્ઞાન અને ક્રિયા આ બેઉ એક રથનાં બે ચક્રની જેમ છે. એમાં એક ચક્ર ન હોય તો રથ ચાલે નહિ એમ મોક્ષપ્રાપ્તિ માટે આ બેઉ જરૂરી છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ એમના યોગદીપક ગ્રંથમાં સિદ્ધાંતોમાં પણ જ્ઞાન ક્રિયાથી મુક્તિ છે એમ પ્રતિપાદન કર્યું છે. તે જણાવે છે
अतो ज्ञानक्रियाभ्यां च, मुक्तिः सूत्रे प्रदर्शिता । एकान्ततो हि मिथ्यात्व - मेकान्तवाददर्शिनाम् ।।४५।।
અર્થ : તે માટે જ્ઞાન અને ક્રિયાથી સૂત્રમાં મુક્તિ દેખાડેલી છે. એકાંતથી એકાંતવાદીઓને મિથ્યાત્વ દર્શાવ્યું છે.
કર્મયોગ એટલે પોતાને ક્રિયા અથવા કર્મમાં જોડવું. મોક્ષમાર્ગની સાધના માટે જે ક્રિયાઓ રોજેરોજ કરાય છે. જેને આવશ્યક ક્રિયાઓ કહેવામાં આવે છે. આવશ્યક ક્રિયાઓમાં સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. યોગમાર્ગમાં દ્રવ્યક્રિયાને પણ યથાયોગ્ય સ્થાન આપેલું છે. દ્રવ્યક્રિયા જ વિશિષ્ટ ભાવની ઉત્પત્તિનું કારણ થાય છે. હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય' માં મિત્રાદૃષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય-વંદનાદિ હોવા છતાં એને યોગદૃષ્ટિ કહી એને યોગમાર્ગમાં સ્થાન આપ્યું છે. કારણ કે દ્રવ્યનું સાધ્ય લક્ષ્ય તો ભાવ જ છે. દ્રવ્યના આલંબને ભાવ પર પહોંચી શકાય છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મપરિણતિ.
જ્ઞાનયોગમાં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. દ્રવ્યક્રિયાની જેમ દ્રવ્યશ્રુતજ્ઞાન પણ આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે નિમિત્ત સાધન બને છે અને આત્મામાં આત્મજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનયોગ કર્મયોગ કરતાં ચડિયાતો છે કારણ કે તે જ મોક્ષપદ અપાવી શકે છે. પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા ન આવી શકે. જ્ઞાનયોગમાં ચિત્તની શુદ્ધિ મહત્ત્વની છે, જે કર્મયોગથી પ્રાપ્ત કરી શકાય છે. યોગમાર્ગના શરૂઆતના કાળમાં સાધક યોગીનું ચિત્ત ભિન્ન ભિન્ન વિષયમાં ન ભટકતા આત્મામાં સ્થિર થાય માટે જ્ઞાનની પરિપક્વ દશા થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયાઓ કરવાની જરૂર છે. કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાનના પાત્ર બનાવે છે.
ઉપસંહાર
૩૦૭