________________
પ્રકાશના અંતમાં બહુ જ મહત્ત્વની વાત કરી છે કે મોક્ષાભિલાષીએ સાધના કેવળ કર્મક્ષય માટે જ કરવી, નહિ કે સિદ્ધિઓ મેળવવા માટે. મોક્ષને માટે ક્રિયા કરનાર મનુષ્યોને અષ્ટ સિદ્ધિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે.
દશમો પ્રકાશ ઃ રૂપાતીત ધ્યાન દશમા પ્રકાશમાં રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ વર્ણવતી, સિદ્ધ પરમાત્માનું ધ્યાનસાધના કરતા સાધક ક્રમે ક્રમે કેવી ભૂમિકા સિદ્ધ કરે છે તે બતાવ્યું છે.
अमूर्तस्य चिदानन्द - रुपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रुपवर्जितम् ।।१०.१।।
આ ધ્યાનમાં અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, નિરાકારસ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. અહીં યોગી પિંડસ્થ વગેરે લક્ષ્યવાળા ધ્યાન દ્વારા નિરાલંબનરૂપ અલક્ષ્ય ધ્યાનમાં પ્રવેશ કરે છે. રૂપસ્થ આદિ સાલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્માસ્વરૂપ નિરાલંબન ધ્યેયમાં જાય છે. અહીં ધ્યાન અમૂર્ત એવા સિદ્ધ પરમાત્માનું છે. યોગી જ્યારે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે ધ્યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે. એ જ સમરસીભાવ છે. આત્મા અભેદ રૂપે પરમાત્મામાં લીન બની જાય છે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનથી યોગી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે.
આગળ પૂ. આચાર્ય હેમચંદ્ર ધર્મધ્યાનના ચાર ભેદોનું નિરૂપણ કરે છે, જે આ પ્રમાણે છે. ૧. આજ્ઞા-વિચય, ૨. અપાય-વિચય, ૩. વિપાક-વિજય, ૪. સંસ્થાન-વિચય
આજ્ઞા-વિચય : આજ્ઞા એટલે આપ્ત પુરુષનું, જિનેશ્વર ભગવંતનું વચન, સર્વજ્ઞની આજ્ઞા અનુસાર આગમસિદ્ધ વસ્તુના સ્વરૂપનો વિચાર કરવો.
અપાય-વિચયઃ અપાય એટલે દુઃખ.આ ધ્યાનમાં સંસારનાં જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો; દુઃખોનાં કારણો અજ્ઞાન, અવિરતિ, રાગદ્વેષ આદિ કષાયો વગેરેનો એકાગ્ર ચિત્તે વિચાર કરાય છે. એનાથી આ જન્મ તથા ભાવી જન્મમાં થવાનાં દુ:ખદાયક કષ્ટોનો પરિહાર એટલે કે ત્યાગ કરવા તત્પર થઈ શકાય છે. જેથી સર્વ પ્રકારનાં પાપકર્મોથી
૧૮૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની