________________
મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ કરવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મનને જીતવું, રાગદ્વેષનો નાશ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું. આત્માના પરિણામની શુદ્ધિ થાય તેવાં નિમિત્તોનું અવલંબન કરવું, શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની આરાધના કરવી અને આત્માનું ધ્યાન કરવું વગેરે યોગનો સાર છે.
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે – યોગના પ્રતાપથી અનેક ભવનાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એના માટે બાહ્યયોગની શુદ્ધિ કરીને આંતરિક યોગની શુદ્ધિ કરવી જોઈએ. મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરી મન, વચન, કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જેઓ ઉપરના પગથિયે ચઢવાનો પ્રયત્ન કરે છે તેઓને અંતે પાછા ફરી પ્રથમ પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી પડે છે. યોગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને પરમાત્માની આરાધના કરવાથી, યોગમાર્ગ પર આગળ વધવાથી ઉત્તમ અધિકારી બની શકાય છે. આગળ શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે યોગની સાધના ગૃહસ્થ અવસ્થામાં અને સાધુ અવસ્થા બંનેમાં થઈ શકે છે પણ ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં યોગની સાધના અનંતગણી સારી રીતે થઈ શકે છે. તેમજ જે જીવો યોગના ઉપરના પગથિયા પર અર્થાત્ ઉપરના ગુણસ્થાનકે પહોંચ્યા છે એમણે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવો પર તિરસ્કાર કે નિંદા ન કરતાં તેમને ઉપરના ગુણસ્થાનકરૂપ પગથિયા પર આવવા (ચઢવા) મદદ કરવી જોઈએ અને એમનાથી ઉપરના ગુણસ્થાનકનો ધર્મયોગ જેમણે સાધ્યો છે એમનો વિનય અને ભક્તિ કરવાં જોઈએ.
આ પ્રમાણે યોગના પગથિયા સમજીને જેઓ યોગમાર્ગ પર આગળ વધે છે તેઓ શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરી શકે છે.
યોગનું ફળ બતાવતાં તેઓ કહે છે – રત્નત્રયીરૂપ યોગનું આરાધન કરીને પૂર્વે અનંત જીવો મુક્ત થયા, થયા છે અને ભવિષ્યમાં થશે. યોગની સાધના કરવાથી મનુષ્ય અને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમમાં ઉત્તમ જે મુક્તિ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. આત્માના શુભ અધ્યવસાય ઉત્પન્ન કરાવનાર યોગ છે. આ કાળમાં ઉપશમભાવ અને ક્ષયોપશમભાવની સમાધિને યોગીઓ પ્રાપ્ત કરે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૩