________________
સિદ્ધાંત જે પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર પ્રકારના શાસ્ત્રોમાં છે તેનું રહસ્ય પ્રાપ્ત થાય. અહીં શ્રીમદ્ રાજચંદ્રએ મોક્ષાર્થી જીવોની યોગ્યતા અલગ અલગ ભૂમિકા પ્રમાણે બતાવી છે. જેમાં અલ્પારંભી જીવો તત્ત્વપ્રાપ્તિ માટે પ્રથમ ભૂમિકાવાળા, નિરારંભી નિગ્રંથ મોક્ષાર્થી જીવો મધ્યમ યોગ્યતાવાળા અને યોગી મહાપુરુષો જે જ્ઞાન-ધ્યાનમાં નિરંતર મગ્ન રહેનારા, પોતાની આત્મવૃત્તિને પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં જોડી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા સાધી નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરનારા, ચારે ઘાતી કર્મોનો ક્ષય કરનારા એવા પરમયોગી સયોગી જિન તે મોક્ષમાર્ગના સર્વોત્કૃષ્ટ અધિકારી બતાવ્યા છે. કારણ તેઓ અલ્પકાળમાં જ સયોગીપદ તજી અયોગી સિદ્ધપદ પામવાના છે. આ સમસ્ત સંસારનું, જન્મમરણરૂપ પરિભ્રમણનું મૂળ કારણ મોહભાવ, પરમાં મમત્વભાવ અને તેના લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષરૂપ સંકલ્પવિકલ્પરૂપ વિભાવ છે. પરમાં કરાતા મમત્વભાવને લીધે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી નિરંતર રાગદ્વેષાદિ વિકલ્પો કરે છે, નિરંતર કર્મબંધન કરે છે. અને સંસારપરિભ્રમણ ચાલુ રહે છે. સદ્ગુરુની કૃપાથી જો જીવ આ બાહ્ય પરિણતિ, બાહ્ય ભાવ છોડી અંતર્મુખ થાય તો અંતરંગમાં અનંત સુખનું ધામ એવું પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ સિદ્ધપદ પ્રાપ્ત કરે, જે અનંત, અક્ષય શાશ્વત સુખથી ભરેલું છે અને જેને સમ્યગ્દષ્ટિ આત્મારામી યોગી મહાપુરુષો નિરંતર ઇચ્છે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૭