________________
અહિંસા મહાવ્રત ઃ
પ્રથમ અહિંસાનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને એનું મહામ્ય બતાવ્યું છે. અહિંસા આ મહાવ્રત આગળનાં ચાર મહાવ્રતોનું કારણ છે. અહિંસા કોને કોને કહેવાય એ સમજાવ્યું છે -
वाचित्ततनुभिर्यत्र न स्वप्नेपि प्रवत्तते। चरस्थिराङ्निनां घातस्तदाद्यं व्रतमीरितम् ।।८.८ ।।
અર્થ : જે વ્રતમાં મન, વચન અને કાયાથી સ્વપ્નમાં પણ ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત ન કરાય અને અહિંસા મહાવ્રત કહે છે.
અહીં આચાર્ય શુભચંદ્ર જૈન દર્શનની ઘણી મહત્ત્વની વાત સમજાવે છે. જૈન દર્શનમાં કર્મબંધ થવાનાં મુખ્ય કારણ આત્માનાં પરિણામ છે. એટલે જે જીવ પ્રમાદસહિત છે અર્થાત્ અહિંસા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન અથવા પ્રવૃત્તિ કરતા નથી એ જીવોને બીજા જીવ મરે અથવા ન મરે પણ એમનો કર્મબંધ થાય છે. જ્યારે જે પ્રમાદરહિત થઈ હિંસા ન થાય માટે પ્રયત્ન કરે છે, જાગ્રત રહે છે તે છતાં જો હિંસા થઈ જાય તો પણ તેમનો કર્મબંધ થતો નથી.
સત્ય મહાવત :
આગળના પ્રકરણમાં સત્ય મહાવ્રતનું વર્ણન કરેલું છે. આચાર્ય શુભચંદ્ર કહે છે કે જિનેન્દ્ર ભગવાને જે યમનિયમાદિ વ્રતો કહેલાં છે એ એકમાત્ર અહિંસાવ્રતના રક્ષા માટે કહેલાં છે. કારણ જો અહિંસાવ્રત- પાલનધારી અસત્ય વચન ઉચ્ચારતો હોય તો તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત ન કરી શકે. આગળ કહે છે કે જે વચન જીવો માટે હિતકારી, ઇષ્ટ હોય એવાં વચન અસત્ય હોય તોપણ સત્ય છે અને જે વચન પાપસહિત હિંસારૂપ કાર્યને પુષ્ટિ આપે છે એવાં વચન સત્ય પણ હોય તોપણ અસત્ય અને નિંદનીય છે. મુનિ હંમેશાં સત્ય વચન જ બોલે છે, અસત્ય વચન બોલવાથી મુનિપણું રહેતું નથી.
અસ્તેય મહાવ્રત :
મુનિ મોક્ષમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે “અસ્તેય’ નામનું ત્રીજું મહાવ્રત અંગીકાર કરે છે. જે મનુષ્ય સંસારસાગર પાર કરવાની ઇચ્છા ધરાવે છે એ મન, વચન, કાયાથી કોઈએ આપ્યા વગરની વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા કરતો નથી.
૧૯૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની