________________
વિકલ્પરૂપ અથવા કાયિક ક્રિયારૂપ વૃત્તિઓ ઘટી શકે નહિ. છતાંય જો હોય તો તે અન્યના સંયોગથી જ થયેલી છે. વિકલ્પરૂપ વૃત્તિઓ મનોદ્રવ્યના સંયોગથી થયેલી છે એનો સંપૂર્ણ ક્ષય કેવળજ્ઞાનની પ્રાપ્તિકાળે થાય છે અને શરીર સંયોગજન્ય ક્રિયારૂપ વૃત્તિઓનો ક્ષય કેવળી અયોગી બને ત્યારે થાય છે. આ રીતે ક્ષય પામેલી વૃત્તિઓ ફરી ઉત્પન્ન થતી નથી. વૃત્તિસંક્ષયથી સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને પ્રત્યક્ષ કરાવનારું, સર્વદા સંપૂર્ણ ઉપયોગવાળું અપ્રતિપાતી એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંપૂર્ણ આયુષ્યકાળ સુધી વિચરી, જગતના આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી બાકી રહેલ અઘાતી કર્મોનો નાશ કરવા કેવળી સમુઘાત કરે છે. અંતે શેલેશીકરણ વડે સર્વમન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિને રોકવારૂપ આત્મા મેરુ જેવો સ્થિર બની શેલેશીકરણનો સ્વીકાર કરે છે. સર્વ વ્યથાઓથી રહિત અનંત અખંડ આનંદને આપનારા એટલે કે પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આવી રીતે મોક્ષની પ્રાપ્તિ કરવામાં ઉપાદાનકારણરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યોગ સ્વરૂપની વિચારણામાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષયરૂપ એમ પાંચ પ્રકારના યોગ બતાવ્યા છે. તેમાં પારમાર્થિક ભાવનારૂપ તત્ત્વની વિચારણા કરવી તે અધ્યાત્મ કહેવાય. સર્વ કાર્ય સંબંધી ઔચિત્યથી યુક્ત અને મૈત્રી આદિ ગુણોથી યુક્ત જીવનું તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ અધ્યાત્મયોગ જુદાં જુદાં અનેક સ્વરૂપે અનેક સ્વભાવરૂપ ધર્મવાળા છે. અનેક અપેક્ષાથી આ અધ્યાત્મયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અનેક સ્વરૂપવાળો થાય છે.
યોગમાર્ગમાં પ્રથમ ક્રિયાનો આધાર જપ છે. તેથી જપને અધ્યાત્મ કહેવાય છે. યોગમાર્ગમાં પ્રવેશ કરતા મંગલાચરણ રૂપે પરમાત્માનો જપ છે. જપ કરનાર માટે ધ્યેય વિષયમાં સ્થિરતા-એકાગ્રતા થવામાં તે ઉપકારક થાય છે તેથી જાપજપ અધ્યાત્મયોગ છે. જાપમાં મન-વચન-કાયાની શુદ્ધતા હોવી જરૂરી છે.
જે જે તપ ક્રિયા, જપ, ધ્યાન વગેરે શુભ સદનુષ્ઠાનો નિર્માયિક ભાવે સમજણપૂર્વક કરાય છે તે સર્વ સદનુષ્ઠાનો અધ્યાત્મ જ છે.
સર્વ જીવો વિષે મૈત્રીનું ચિંતન કરવું, પોતાનાથી અધિક ગુણી જીવો પ્રત્યે પ્રમોદનું ચિંતન કરવું, શારીરિક, માનસિક દુઃખોથી પીડાતા જીવો વિષયે કરુણાનું ચિંતન કરવું, હિતશિક્ષા આપવા માટે અયોગ્ય એવા અતિરાગી અને અતિદ્વેષી જીવો વિષે માધ્યસ્થભાવનું ચિંતન કરવું એ અધ્યાત્મ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )