________________
અશુભ એટલે ક્લિષ્ટ વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ કહેવાય. આવી રીતે આસવ આદિરૂપ અશુભ યોગનો નિગ્રહ રૂપે ત્યાગ કરી સંવર, નિર્જરા, ક્ષમાદિક ધર્મ, પરિષહજયરૂપ શુભ યોગ વડે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રયોગને પામતો આત્મા સંસારીત્વભાવરૂપ પૂર્વ અવસ્થાનો ત્યાગ કરી મોક્ષભાવરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
એટલે આત્માને પરિણામી સ્વભાવવાળો માનવાથી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આ મોક્ષના હેતુભૂત યોગમાર્ગ યથાર્થ રીતે ઘટે છે. સંસાર હેતુભૂત અશુભ પરિણામને યોગથી જીતી શકાય છે. ઉપર જણાવેલ સંયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગરૂપ અને અધ્યાત્મ ભાવનારૂપ યોગના અભ્યાસથી ક્ષયોપશમ ભાવે આત્માની શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ પરિણામની ધારા ચાલે છે તે જ મુખ્ય યોગ છે. કારણ કે યોગનું મુખ્ય રીતે લક્ષણ શુદ્ધિરૂપ અવસ્થા છે. અર્થાત્ યોગ એટલે આત્માની શુદ્ધ અવસ્થા.
તે શ્રેષ્ઠ યોગના અભ્યાસ વડે એટલે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા વગેરે યોગના અભ્યાસથી અવિરત સમ્યગ્દષ્ટિથી ચઢતા ગુણસ્થાનકોના ક્રમથી આત્મા સુંદર અને ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરે છે. આત્માથી કર્મદલનો વિયોગ થતાં તાત્ત્વિક મુક્તિને પ્રાપ્ત કરે છે. આત્માને મન, વચન, કાયા, ઇન્દ્રિય તથા કર્મના સંબંધનો સંપૂર્ણ વિયોગ થાય છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ સહજ ગુણ વડે સ્વસ્વરૂપનો ભોક્તા થાય છે. અને તે જ પરમ મુક્તિ અથવા નિર્વાણ છે. અહીં સયોગી કેવળીને અંત સમયે જે શેલેશી નામની સમાધિ થાય છે તે સર્વ કર્મદલનો એ સમાધિયોગ વડે ક્ષય કરે છે જે શૈલેશીકરણ કહેવાય છે. આચાર્ય હરિભદ્રસૂરિ એને વૃત્તિસંક્ષય સમાધિ કહે છે.
આવી રીતે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આદિ યોગનો અભ્યાસ ભવ્યાત્માઓ સમ્યકત્વ, તપ, જપ, વ્રત, ઇંદ્રિયનિગ્રહ કષાય જય સાથે કરે છે. તેના સ્વાભાવિક ફળ રૂપે અખંડઆનંદરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૩