________________
તોપણ એ પાપોનું ફળ તો તેને જ ભોગવવું પડે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેના કર્મના ફળને વહેંચીને લઈ શકતા નથી. એટલે એકત્વ ભાવના સમજવાથી સ્વજન ઉપર રાગ થતો નથી અને પરજન ઉપર દ્વેષ ન થાય. એટલે નિર્મમત્વ ભાવ કેળવવા એકત્વ ભાવનાનું ધ્યાન કરવાનું કહે છે.
અન્યત્વ ભાવના : અન્યત્વ એટલે ભેદ. પોતાના આત્મા સિવાય અન્ય જડ-ચેતન પદાર્થો - પોતાનું શરીર, સ્વજન, ધન, પોતાથી ભિન્ન છે આવું ચિંતન એ અન્યત્વ ભાવના છે. આ ભાવના ચિંતવવાથી શરીર આદિ જડ પદાર્થો પર અને સ્વજન આદિ ચેતન પદાર્થો પર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય.
અશુચિ ભાવના : રસ, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા, વીર્ય અને વિષ્ટા પ્રમુખ અશુચિના ધર રૂપ આ કાયા છે જે અત્યંત અશુચિમય છે. આવા અશુચિમય કાયાના વિચારો કરવાથી સ્ત્રી અથવા સ્વદેહ પરથી મમત્વ ઓછું થાય છે.
આસ્રવ ભાવના : આસવ એટલે મન, વચન અને કાયાના યોગોથી કર્મોનું આત્મામાં આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણો અને આસવથી થતાં દુ:ખોનો વિચાર કરવો તે આસવ ભાવના. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિથી થયેલા આસવથી કર્મબંધ થાય છે અને એ બંધાયેલ કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનેક દુઃખો સહન કરે છે. આ કર્મબંધનનાં કારણો સમજી એનાથી મુક્ત થવા માટે આસવ ભાવના વિચારવી.
સંવર ભાવના : આ આસવોને રોકવા એનાં દ્વારો બંધ કરવાં તે સંવર છે. સંવર બે પ્રકારે છે. આત્મામાં પ્રવેશ કરતા કર્મ-પુદ્ગલોને રોકવા એ દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત આત્મવ્યાપાર રૂપ ક્રિયાઓનો ત્યાગ એ ભાવસંવર. આસવના નિરોધ માટે યોગીએ ક્ષમા વડે ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોકવો જોઈએ. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી મન, વચન અને કાયાના યોગોને, અપ્રમાદ વડે પ્રમાદને અને સાવદ્ય યોગોનો ત્યાગ કરી વિરતિને સાધવી. એવી જ રીતે સમ્યકત્વ વડે મિથ્યાત્વ અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે આર્ત અને રોદ્ર ધ્યાન પર વિજય મેળવવો.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૯