________________
અનુષ્ઠાનોની પ્રાપ્તિનું આ યોગબીજ કારણ છે. મોક્ષનું પ્રથમ પગથિયું છે. યોગમાર્ગની પ્રાપ્તિરૂપ વૃક્ષારોપણનું બીજ છે. આત્માને એની સ્વભાવદશા પ્રાપ્ત કરવામાં પરમાત્માની ભક્તિ અવશ્ય કારણ છે.
આત્માને પરમાત્મા બનાવના૨ ૫રમાત્માભક્તિ છે. પ્રભુનામનું સ્મરણ, પ્રભુમૂર્તિનું દર્શન, વંદન અને પૂજન, પ્રભુના જીવનની પૂર્વ અને ઉત્તર અવસ્થાઓનું ચિંતન અને ધ્યાન કરવાથી દેહભાવનો વિલય થતાં આત્મસ્વરૂપમાં લીનતા આવતી જાય છે. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના યોગે એના અંકુરારૂપે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને પછી ક્રમશ: મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ઘણા જૈન આચાર્યોએ જેમ કે અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, શ્રી ચિદાનંદજી એ એમના સ્તવનમાં આ ભક્તિયોગને વર્ણવ્યો છે. જિનેશ્વર ભગવંતની ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.
જિનેશ્વર ભગવંતની ઉપાસના, એમના પ્રત્યે કુશળ ચિત્ત જેમ યોગબીજ છે, એવા જ શુદ્ધ ભાવપૂર્વક એટલે કે આલોક કે પરલોકના સુખની આશંસા વગર અત્યંત ઉપાદેયબુદ્ધિથી પંચમહાવ્રતધારી એવા ભાવાચાર્યાદિની ત્રણ યોગથી ભક્તિ, વૈયાવચ્ચ એ પણ યોગબીજ છે. ભાવાચાર્ય એટલે વીતરાગની આજ્ઞાને અનુસરનારા; જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધક, પંચાચાર, પંચસમિતિ આદિના પાલનહાર; નિઃસ્પૃહ, સન્માર્ગની પ્રરૂપણા કરનારા; ષટ્ જીવનિકાયનું જ્ઞાન આપનારા એવા ગુરુ છે. વીતરાગ ૫૨માત્મા સદેહે વિદ્યમાન ન હોવાથી મોક્ષમાર્ગ ૫૨ લઈ જનારા એ આચાર્ય આદિ ગુરુ છે. ધર્મના સ્થાપક દેવ તરીકે અરિહંત પરમાત્માનો મહાન ઉપકાર છે તેવી જ રીતે તે ધર્મનો પ્રસાર કરનારા ગુરુનો પણ ઉપકાર છે. પંચપરમેષ્ઠીમાં ત્રીજા પદમાં આચાર્યપદને સ્થાપી એમને પ્રણામ કરવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગુરુનું મહત્ત્વ સમજાવતાં કહે છે -
‘આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનારા. આગમ એટલે આખે કહેલા પદાર્થની શબ્દ દ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરૂપનાર શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.’
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૧૯