________________
જેમ મૃત્યુ શરીરનો નાશ કરે છે તમ યોગ મૃત્યુનો નાશ કરે છે. આવા યોગશાસ્ત્રના અભ્યાસથી જે યોગીઓ અપ્રમત્તભાવે ચારિત્રયોગનું પાલન કરે છે તેમના ઉપર કામદેવનાં શસ્ત્રો પણ અસર કરતાં નથી. તે યોગીઓ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે વિષયોથી જરા પણ લેવાતા નથી. પણ જેઓ માસક્ષમણાદિ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં આવા યોગનું પાલન કરતા નથી તેઓ માટે શબ્દાદિ વિષયરૂપ તીણ કામશાસ્ત્રો વિઘાતક થઈ શકે.
આવી રીતે યોગમહાભ્ય વર્ણવતાં આચાર્ય કહે છે કે યોગ એ પદનું સંકીર્તન અને શ્રવણ યથાયોગ્ય વિધિપૂર્વક એટલે શ્રદ્ધા, સંવેગાદિ શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક અને નમ્રતા અને વિનયપૂર્વક કરવાથી સંચિત પાપનો ક્ષય થાય છે. અશુભ કર્મનો મૂલમાંથી નાશ કરે છે. જેમ મલિન એવા સુવર્ણની શુદ્ધિ અગ્નિથી થાય છે તેમ શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ યોગમય અગ્નિરૂપ ઉપાદાન-કારણથી દ્રવ્ય તથા ભાવકર્મરૂપ મેલ ખપાવી મલિન એવા આત્માની શુદ્ધિ થાય છે.
યોગથી સ્થિરતા તથા શ્રદ્ધા ઊપજે છે. જેમ કે સ્કંધકમુનિ, ગજસકુમારમુનિ, મેતાર્યમુનિ, ઢંઢણમુનિ વગેરેએ ચારિત્રયોગની સ્થિરતા પ્રાપ્ત કરી તેમને થયેલા પરિષહો, ઉપસર્ગો સમભાવે સહન કર્યા. તે પ્રત્યે રાગદ્વેષ નહીં કરતાં આત્માના ધ્યાનમાં જ સ્થિર રહી મોક્ષને પ્રાપ્ત કર્યું. તેમજ શ્રદ્ધા એટલે દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વ ઉપર રુચિ. એટલે જ મોક્ષમાર્ગ માટે કરનારી શ્રદ્ધામય સમ્યક પ્રવૃત્તિ જે ચારિત્રયોગથી પ્રાપ્ત થાય છે અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય છે.
યોગપ્રાપ્તિથી જીવ અનુચિત, અયોગ્ય વસ્તુનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયાઅનુષ્ઠાન કરે છે, છતાં કોઈ એમાં અયોગ્યતા દેખાડે તો તેવી ક્રિયાના આગ્રહને છોડી સજ્જનમાન્ય એવી યોગક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. એકબીજાથી વિરુદ્ધ પરિષહો સમભાવથી સહન કરવાની શક્તિ પણ યોગથી આવે છે. તેમજ તે પરિષદોનો અભાવ અને અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય છે. યોગથી ધૃતિ, ક્ષમા, સદાચાર, યોગવૃદ્ધિ, આદેયતા, ગુરુતા અને અનુત્તર શમસુખની પ્રાપ્તિ થાય છે.
ધૃતિ : એટલે ધીરજ. તે તે સમય પ્રમાણે જીવનનિર્વાહનાં સાધન એવાં વસ્ત્ર, ભોજન વગેરે જેવાં મળે તે અનુકૂળ કે પ્રતિકૂળ હોય તેમાં પણ સંતોષ માની ચારિત્રયોગમાં સ્થિરતા રાખવી.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન