________________
કટિબદ્ધ બને. આમ એ જિનાજ્ઞાનું પાલન ચારેબાજુ પ્રસરતું જાય. જિનાજ્ઞારૂપ શાસનની આ કેવી અદ્ભુત પ્રભાવના ! વળી અનેક આત્માઓમાં શુભભાવો ઉત્પન્ન કરનાર આ સંયમી ભાવશાસનનો પણ પ્રભાવક બને.
જો મન સ્વચ્છ હોય તો આ ગણિત સાવ જ સીધું છે. પ્રત્યેક સંયમી પોતાની તમામ શક્તિ ફો૨વીને જિનાજ્ઞાઓને પાળે. એના દ્વારા અનેકોને જિનાજ્ઞા પાળતા કરે. (વગર ઉપદેશે) પોતાના અને બીજાના આત્માઓમાં શુભપરિણામોની ધારાને પ્રગટાવે. અર્થાત્ વાસ્તવિક શાસનની પણ અનેકોને પ્રભાવના કરે.
આ રીતે પોતાનામાં અને બીજાઓમાં શાસનની રક્ષા અને પ્રભાવના કરનાર સંયમી પુષ્કળ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. આત્મપરિણતિને વિશુદ્ધતમ બનાવી મુક્તિનગરીનો સૌથી નજીક રહેલો મુસાફર બને.
(૨) એટલે જ હવે એ અત્યંત આવશ્યક છે કે પ્રત્યેક સંયમીઓ આત્મ કલ્યાણ માટે અને સાચા પરકલ્યાણ માટે વધુ ને વધુ સારી રીતે જિનાજ્ઞાઓને જીવનારા બને.
પણ અનાદિના સંસ્કારો જિનાજ્ઞા પાળવા દેવામાં ઉપેક્ષા કરાવે એ ય શક્ય છે. એ માટે જરૂર છે, અભિગ્રહોની ! નિયમાવલિની ! સંયમીઓ જો ૨૦૦-૩૦૦ નિયમો દૃઢતાપૂર્વક લઈ લે અને એનું અપૂર્વ વીર્યોલ્લાસ સાથે પાલન કરે તો નિઃસંદેહ બનીને કહી શકાય કે જિનશાસનની રક્ષા અને પ્રભાવના આસમાનને આંબ્યા વિના ન રહે.
એટલે જેઓને શાસનનો રાગ છે, માટે જ જેઓના રૂંવાડે રૂંવાડે શાસન રક્ષા અને શાસનપ્રભાવનાની ભાવના પડી છે. તેઓએ અભિગ્રહો લઈને શાસનના ઋણમાંથી અંશતઃ પણ મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૬)