________________
કેટલાંકો વળી એને આધાકર્મી તો માને છે પણ આગળ એમ બોલે છે કે, “એ વસ્તુ આધાકર્મી હોય તો પણ આપણે વહોરવી જોઈએ, કેમકે જો આપણે ન વહોરીએ તો એ શ્રાવકના ભાવ તુટી જશે. પછી એ સંયમીઓની ભક્તિ કરતો બંધ થઈ જશે. માટે આપણે જાતે કોઈ આધાકર્મી વસ્તુ ન કરાવવી. પણ કોઈક એની મેળે જ બનાવી દે તો એ વહોરવામાં કોઈ વાંધો નથી.”
કેટલાંક વળી ભક્તિભાવવાળા (!) સંયમીઓ એમ પણ કહે છે કે “આપણે આપણા વાપરવા માટે આધાકર્મી વસ્તુ ન લવાય. પણ આપણા ગુરુજનો, ગુરુભાઇઓ વગેરેની ભક્તિ કરવા માટે તો આધાકર્મી લવાય. એ વસ્તુ લાવનારા સંયમીએ નહિ વાપરવાની. એટલે એને કોઈ દોષ ન લાગે. અને જે બાકીના સંયમીઓ વાપરશે તેઓ તો એ વસ્તુને નિર્દોષ સમજીને જ વાપરતા હોવાથી એમને પણ કોઈ દોષ ન લાગે. આધાકર્મી તરીકે જાણીને વાપરે તો જ દોષ લાગે. એટલે આ રીતે કરવાથી મહાત્માઓની ભક્તિ ક૨વાનો લાભ મળે.”
કેટલાંક સંયમીઓ એવા તો ભોળા (!) હોય છે કે ત્રણ-ચાર સભ્યવાળા ઘરમાં રોટલીનો થપ્પો જોઈને, શાકના તપેલાઓ ભરેલા જોઈને, શીરાની કઢાઈ ભરેલી જોઈને પુછે તો ખરા કે, “આ બધું,કોના માટે છે ?” અને શ્રાવકો બોલે,“આ તો બધું અમારા માટે જ છે !” અને શ્રાવકના વચન ઉપર વિશ્વાસ(!) મૂકીને બધું વહોરી લાવે અને નિર્દોષ માની, નિર્દોષ જાહેર કરી પોતે પણ વાપરે અને બીજાને પણ વપરાવે.
આવી તો જાત-જાતની ભ્રમણાઓ આધાકર્મી વિશે જોવા મળે છે. આ બધાનો ઉત્તર આપવા માટે ઘણું લખવું પડે. એટલે એની ઉપેક્ષા કરીને એટલું જ જણાવીશ કે ઉપરની બધી માન્યતાઓ શાસ્ત્રવિરુદ્ધ છે. માંદગી વગેરે ગાઢ કારણસર આધાકર્મી વા૫૨વાની ૨જા ભલે હોય પણ બાકી એ સિવાય તો સંયમી આધાકર્મીનો પડછાયો પણ ન લે. આધાકર્મી નામ સાંભળીને ય ભડકે એવો દોષભીરુ હોય. પોતે જાતે આધાકર્મી ક૨ાવે નહિ. કોઈ શ્રાવક સ્વયં આધાકર્મી બનાવી દે તો એનું ટીપું પણ ન વહોરે. અને જ્યાં સહેજ પણ શંકા પડે કે આ આધાકર્મી છે ત્યાં સૂક્ષ્મ રીતે બધી તપાસ કરી, પ્રશ્નો પૂછી પાકો વિશ્વાસ થાય કે ‘આ નિર્દોષ જ છે’ ત્યારે જ વહોરે, બાકી એક ટકા જેટલી પણ આધાકર્મીની શંકા હોય તો ન જ વહોરે.
આજે પણ નિર્દોષ ગોચરીના કટ્ટર આગ્રહવાળા સેંકડો સંયમીઓ છે. ૧૫-૨૦ કિ.મી.નો વિહાર કરીને બપોરે સ્થાને પહોંચ્યા પછી પણ નિર્દોષ ગોચરી માટે વળી બે-ચાર કિ.મી.નું પરિભ્રમણ ક૨ી તદ્દન નિર્દોષ ગોચરી લાવીને આંબિલો કરનારા અત્યંત વંદનીય, પ્રાતઃશ્રમણીય શ્રમણ ભગવાન મહાવીરના શાસનના તેજસ્વી રત્નો સમાન, અણગારો આજે પણ છે. જ્યારે આજે ચારેબાજુ વિહારધામો બની ચૂક્યા છે. દરેકે દરેક વિહારધામોમાં આધાકર્મી ગોચરી-પાણીની સંપૂર્ણ સગવડો છે. જ્યાં જૈનોના એકેય ઘર નથી. જ્યાં અજૈનગામો પણ દોઢ-બે કિ.મી. દૂર રહેલા છે. ત્યાં પણ આ મહાસંયમીઓ અજૈનગામોમાં જઈને લુખા રોટલાદિ લાવીને, વાપરીને મસ્તીથી જીવન જીવે છે.
આવા સંયમીઓ એક-બે નથી, પણ સેંકડો છે. કોઈ એકા’દ સમુદાયમાં નથી, લગભગ તમામ સમુદાયોમાં આવા રત્નો છે. એટલે એવું કોઈ વિચારતું હોય કે, “આ કાળમાં તો વિહા૨ોમાં આધાકર્મી વિના ન જ ચાલે...” તો એ માન્યતા વહેલી તકે દૂર કરી દેવી જોઈએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૫૬)
www